અમેરિકા સ્થિત ગ્લોબલ બેન્ક જેપી મોર્ગન ચેઝના વડા જેમી ડિમોને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કરતાં જણાવ્યું હતું કે મોદીએ ભારતમાં અવિશ્વસનીય કામ કર્યું છે. હું અહીં ઉદારવાદી પ્રેસને જાણું છું. તે મોદીની આકરી ટીકા કરે છે, પરંતુ મોદીએ 400 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જેપી મોર્ગન ચેઝના સીઇઓ મંગળવારે ન્યૂયોર્કની ઇકોનોમિક ક્લબ દ્વારા આયોજિત લંચમાં બોલી રહ્યાં હતા.
ડિમોને વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું કે, તેઓ એક કડક નેતા છે. આ ઉપરાંત તેમણે ભારતના GST પદ્ધતિની પણ પ્રશંસા કરતા કહ્યું કે, અગાઉ વિવિધ રાજ્યોમાં જુદા જુદા કર પ્રણાલી હતી, જોકે જીએસટી આવ્યા બાદ કર પ્રણાલીની સમાનતા દૂર થઈ છે અને તેના કારણે ભ્રષ્ટાચાર નાબુદ થયો છે. તેમણે ભારતની ટેકનોલોજી અને નાણાકીય પ્રગતિનો ઉલ્લેખ કરી કહ્યું કે, ભારતમાં 700 મિલિયનથી વધુ નાગરિકોના બેંક ખાતા છે અને તેમનું પેમેન્ટ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ રહ્યું છે. ભારત બેન્કિંગ સેવાઓને વ્યાપકરૂપે અપનાવી પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં અવિશ્વનીય શિક્ષણ પદ્ધતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.