વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને આમંત્રણ આપ્યું છે. જી-20 સમીટ દરમિયાન બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં મોદીએ આ આમંત્રણ આપ્યું હતું, એમ ભારત ખાતેના યુએસ રાજદૂત એરિક ગાર્સેટીએ બુધવારે જણાવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન જ ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેવા સવાલના જવાબમાં ગાર્સેટીએ સંકેત આપ્યો હતો કે તેમને તેની જાણ નથી. ક્વાડ સંગઠનમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આગામી વર્ષે વાર્ષિક ક્વાડ સમિટની યજમાની કરવાનો ભારતનો વારો છે.
અમેરિકી રાજદૂતને એક કાર્યક્રમમાં એવા અહેવાલો વિશે પૂછવામાં આવ્યું હતું કે ભારત ક્વોડ રાષ્ટ્રોના નેતાઓને ગણતંત્ર દિવસની ઉજવણીમાં આમંત્રિત કરવા વિચારી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડનને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા. દર વર્ષે ભારત તેના ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે વિશ્વના નેતાઓને આમંત્રણ આપે છે. COVID-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને 2021 અને 2022માં પ્રજાસત્તાક દિવસના કોઇ મુખ્ય અતિથિ ન હતા. 2020માં બ્રાઝિલના તત્કાલીન પ્રમુખ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિ હતાં. 2019માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા પરેડમાં મુખ્ય અતિથિ હતાં, જ્યારે 2018માં આસિયન દેશોના નેતાઓએ ઉજવણીમાં હાજરી આપી હતી.
2017માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ઉજવણીમાં મુખ્ય અતિથિ હતાં, જ્યારે 2016માં ફ્રાન્સના તત્કાલીન વડા ફ્રાન્કોઈસ હોલાંદે આ પ્રસંગે હાજરી આપી હતી. 2015માં અમેરિકાના તત્કાલિન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પરેડ નિહાળી હતી.