ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓ સર્વગ્રાહી અને સંતુલિત મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ની મંત્રણા વહેલાસર પૂર્ણ કરવાના મહત્ત્વ પર સંમત થયા છે.
ભારત અને યુકે દિવાળી સુધીમાં FTA પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા હતી, પરંતુ સર્વસંમતિના અભાવ અને યુકેમાં રાજકીય અસ્થિરતાને કારણે બંને દેશો સમયમર્યાદા ચૂકી ગયા છે.
ફોનકોલ પછી મોદીએ ટ્વિટર પોસ્ટમાં કહ્યુ હતું “આજે ઋષિ સુનક સાથે વાતચીત કરીને આનંદ થયો. યુકેના પીએમ તરીકે ચાર્જ સંભાળવા બદલ તેમને અભિનંદન. અમે અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરીશું. અમે વ્યાપક અને સંતુલિત એફટીએના વહેલા નિષ્કર્ષના મહત્વ પર પણ સંમત થયા છીએ.”
સુનકે મોદી પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે બે “મહાન લોકશાહી” દેશો તેમના સંબંધોને ગાઢ બનાવીને શું પ્રાપ્ત કરી શકે છે તે અંગે તેઓ “ઉત્સાહિત” છે.
ટ્વીટર પર સુનકે જણાવ્યું હતું “હું મારી નવી ભૂમિકાની શરૂઆત કરી રહ્યો છું ત્યારે માયાળુ શબ્દો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. યુકે અને ભારતમાં ઘણઈ હિસ્સેદારી છે. અમે આવનારા મહિનાઓ અને વર્ષોમાં અમારી સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવીને અમારી બે મહાન લોકશાહીઓ શું પ્રાપ્ત કરી શકે તે અંગે હું ઉત્સાહિત છું.”
ચાન્સેલર તરીકેની અગાઉની ભૂમિકામાં સુનકે FTA માટે સમર્થન વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે ફિનટેક અને વીમા ક્ષેત્રોમાં બંને દેશો માટે વિપુલ તકો છે. બ્રિટિશ ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવરલીની ભારત મુલાકાતના એક દિવસ પહેલા બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.
ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો પાયો ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પોતાની ભારત યાત્રા દરમિયાન નાંખ્યો હતો. લિઝ ટ્રસે પણ આ સૂચિત ટ્રેડ ડીલનું સમર્થન કરીને તેમાં આગળ વધવા પર ભાર આપ્યો હતો. નરેન્દ્ર મોદી અને સુનક વચ્ચે થયેલી વાતચીત બાદ આ એફટીએ ઝડપથી ફાઇનલ થવાની સંભાવના છે.