વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવે છે. મોદીએ કન્યાકુમારી-વારાણસી વચ્ચેની કાશી તમિલ સંગમમ ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી.
મોદી 19,000 કરોડથી વધુના મૂલ્યના 37 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવા બે દિવસ માટે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. નડેસર વિસ્તારમાં કટિંગ મેમોરિયલ સ્કૂલ તરફ જવાના માર્ગ પર વડાપ્રધાને શાળાના બાળકો અને સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમના કાફલામાં એક એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને તેને માર્ગ કરી આપવામાં આવ્યો હતો.
તેમણે શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધિત કરી હતી અને સરકારી યોજનાઓનું સો ટકા કવરેજ હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે ગરીબી હટાઓનું સૂત્ર આપવું એ એક વાત છે. પરંતુ ગરીબ હવે કહે છે કે જે દિવસે ગેસ સિલિન્ડરનો સ્ટવ મળ્યો તે દિવસે અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત સમાપ્ત થઈ ગયો છે. ગરીબ લોકો પાકા ઘરમાં રહે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધી જાય છે. આઝાદી પહેલાં લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે કામ કર્યું હતું અને હવે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સમાન અભિગમની જરૂર છે. દરેક ભારતીયને આજે આ માનસિકતા કેળવવાની અને સંકલ્પ લેવાની જરૂર છે.
મોદીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક રાષ્ટ્રીય પ્રયાસ છે અને તે કોઇ રાજકીય પક્ષનું કામ નથી. લોકોએ તેમાં સીધી રીતે સામેલ થવું જોઇએ. તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવાનો માર્ગ વિકસિત ભારતના સંકલ્પમાંથી પસાર થાય છે.