વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર 4મેએ ડેનમાર્કની મુલાકાત દરમિયાન કોપનહેગનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને ત્યાં હાજર ભારતીયોને કહ્યું હતું કે તમે તમારા ઓછામાં ઓછા પાંચ મિત્રોને ભારત આવવા માટે પ્રેરિત કરો… અને લોકો ‘ચલો ઈન્ડિયા’ કહેશે. આ એ કામ છે જે તમારે બધા ‘રાષ્ટ્રદૂતો’એ કરવાનું છે.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં બદલાતા ભારતની તસવીર રાખી હતી. મોદીએ ડેનમાર્કમાં રહેતા ભારતીયો સમક્ષ ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા તેમજ કોરોના સમયગાળા દરમિયાન ભારતની સિદ્ધિઓ રજૂ કરી હતી. વડાપ્રધાને જણાવ્યું હતું કે કે 5-6 વર્ષ પહેલા આપણે માથાદીઠ ડેટા વપરાશના સંદર્ભમાં વિશ્વના સૌથી પછાત દેશોમાંના એક હતા પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. ઘણા મોટા દેશો મળીને માથાદીઠ મોબાઈલ ડેટા વાપરે છે તેના કરતાં આપણે ભારતમાં વધુ કરીએ છીએ.
વડાપ્રધાને કહ્યું કે ડેનમાર્ક ભારતની શ્વેત ક્રાંતિમાં અમારી સાથે હતો, હવે તે આપણા ગ્રીન ફ્યુચરમાં મજબૂત ભાગીદાર બની રહ્યું છે. ઇલેક્ટ્રિક મોબિલિટી, ગ્રીન હાઇડ્રોજન, સસ્ટેનેબલ અર્બનાઇઝેશન, ગ્રીન શિપિંગ, વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇનોવેશનમાં અમારી વચ્ચે સહકારની અનંત શક્યતાઓ છે. આપણે જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને જ્યારે હું લાઈફ કહું છું તો મારો મતલબ પર્યાવરણની જીવનશૈલી છે. તેનો પ્રચાર કરવો એ સમયની જરૂરિયાત છે.
તેમણે કહ્યું કે યુઝ એન્ડ થ્રોની માનસિકતા પ્લેનેટ માટે નકારાત્મક છે. મને વિશ્વાસ છે કે ભારત અને ડેનમાર્ક સાથે મળીને વિશ્વની ઘણી સમસ્યાઓનું ઈનોવેટિવ સોલ્યુશન શોધી શકશે. સૌથી મોટી વાત એ છે કે આજે જોડાઈ રહેલા દરેક નવા યુઝર ભારતના ગામડામાંથી છે. તેણે ભારતના ગામડાઓ અને ગરીબોને માત્ર સશક્ત બનાવ્યા જ છે અને ખૂબ જ મોટા ડિજિટલ માર્કેટના દ્વાર ખોલ્યા છે. આ નવા ભારતની રિયલ સ્ટોરી છે.
વડાપ્રધાને કહ્યું હતું કે લગભગ 75 મહિના પહેલા અમે સ્ટાર્ટ અપ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ત્યારે ક્યાંય સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ તરીકે આપણી ગણતરી થતી નહોતી. આજે આપણે યુનિકોર્નના સંદર્ભમાં વિશ્વમાં 3 નંબર પર છીએ. વિશ્વને વધુ સારું બનાવવા માટે ભારત અને ડેનમાર્કની ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આબોહવાને થતા નુકસાનમાં ભારતની ભૂમિકા બહુ નજીવી છે. વિશ્વને બરબાદ કરવામાં ભારતીયોની કોઈ ભૂમિકા નથી. ભારત પાસે સ્કેલ અને સ્પીડની સાથે શેર એન્ડ કેયરની વેલ્યુ પણ છે. તેથી વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારતની ક્ષમતામાં રોકાણ કરવું એ સમગ્ર વિશ્વના હિતમાં છે.