ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. તેમણે આજે શનિવારે સવારે જાણીતા યશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજા કરી હતી. વડાપ્રધાન મોદી સવારે દર્શન માટે ઈશ્વરપુર ગામ ખાતે આવેલા યશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા, ભારત અને પાડોશી દેશોમાં આવેલ 51 શક્તિપીઠો પૈકીનું એક મંદિર છે.
યશોરેશ્વરી મંદિરમાં પૂજા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રી આવે છે તેના પહેલા મા કાલી શક્તિપીઠમાં માથું નમાવ્યું છે. તેમના આશીર્વાદનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને કોરોના સંકટમાંથી મુક્તિ અપાવવા પ્રાર્થના કરી. સમગ્ર માનવજાતિ માટે પ્રાર્થના કરી. મારો પ્રયત્ન રહે છે કે, તક મળે તો 51 શક્તિપીઠોમાં માથું ટેકવવું. અહીં એક કોમ્યુનિટી હોલની જરૂર છે. કોઇ હોનારત આવે ત્યારે તેનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ થશે અને બાકીના દિવસોમાં પૂજા-પાઠ માટે ઉપયોગ થઇ શકશે.
પછી વડાપ્રધાન મોદીએ ગોપાલગંજ જિલ્લામાં આવેલા તુંગીપારા ખાતે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રહમાનની સમાધિની મુલાકાત લીધી હતી, ત્યાં જનારા તેઓ પ્રથમ ભારતીય નેતા છે અને તેમણે બંગબંધુ બાપૂ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.