વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની યુનાઇટેડ આરબ અમિરાત (UAE)ની મુલાકાતના ભાગરૂપે મંગળવારે આ ગલ્ફ દેશમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોદી 14 ફેબ્રુઆરીએ યુએઇના પ્રથમ BAPS હિંદુમંદિરનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી અબુ ધાબીમાં ભારતીય સમુદાય કાર્યક્રમમાં સંબોધન કરશે.
આઇકોનિક BAPS હિંદુ મંદિર 27 એકરમાં પથરાયેલું છે. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE સશસ્ત્ર દળોના ડેપ્યુટી સર્વોચ્ચ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને આ ભવ્ય મંદિર માટે 13.5-એકર જમીન દાનમાં આપી હતી. અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું વડાપ્રધાન 14 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે અને આ ભવ્ય મંદિર પહેલી માર્ચથી લોકો માટે ખુલ્લુ મુકાશે. આ મંદિર સંકુલમાં વિઝિટર સેન્ટર, પ્રાર્થના હોલ, એક્ઝિબિશન્સ, લર્નિંગએરિયા, સ્પોર્ટસ એરિયા, થેમેટિક ગાર્ડર, ફૂડ કોર્ટ, પુસ્તક અને ગિફ્ટ શોપ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.
ભારતથી રવાના થતાં પહેલા મોદીએ ‘X’ પર જણાવ્યું હતું કે “અમે મજબૂત ભારત-UAE મિત્રતાને જે પ્રાથમિકતા આપીએ છીએ. હું મારા ભાઈ મોહમ્મદ બિનઝાયેદને મળવા આતુર છું.” તેની પોસ્ટ વાંચે છે.
છેલ્લા નવ વર્ષોમાં UAE અને ભારત વચ્ચે વેપાર, સંરક્ષણ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સહયોગ ગાઢ બન્યો છે. યુએઇ પછી વડાપ્રધાન મોદી કતારની મુલાકાત લેશે.
મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં એક કાર્યક્રમમાં UAEમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.
વિદેશ મંત્રાલયે (MEA) શનિવારે આ મુલાકાતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 2015 પછી વડાપ્રધાનની UAEની આ સાતમી મુલાકાત હશે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે તથા પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. વડાપ્રધાન UAEના વાઇસ પ્રેસિડન્ટ, વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ સાથે પણ મુલાકાત કરશે. વડાપ્રધાન દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં અતિથિ તરીકે ભાગ લેશે અને સમિટમાં સંબોધન કરશે.
ઓગસ્ટ 2015માં મોદીની UAEની સીમાચિહ્નરૂપ મુલાકાત બાદ, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણમ્યા છે. બંને દેશોએ ફેબ્રુઆરી 2022માં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અને જુલાઈ 2023માં સ્થાનિક ચલણ સેટલમેન્ટ (LCS) સિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા હતા જેથી ક્રોસ બોર્ડર વ્યવહારો માટે ભારતીય રૂપિયા અને AED (સંયુક્ત આરબ અમીરાત દિરહામ)ના ઉપયોગને પ્રોત્સાહન મળે.