(PTI Photo)

યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાત માટે સોમવાર, 8 જુલાઇએ મોસ્કો પહોંચ્યાં હતાં. મોદીનું એરપોર્ટ પર રશિયાના ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ડેનિસ માન્તુરોવે સ્વાગત કર્યું હતું. તેમને ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરાયા હતા. રશિયન ફર્સ્ટ ડેપ્યુટી મિનિસ્ટર પણ ભારતીય વડાપ્રધાન સાથે એ જ કારમાં એરપોર્ટથી તેમની હોટલમાં ગયા હતા.

રશિયાની રાજધાની પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે”મોસ્કોમાં યાદગાર સ્વાગત! હું ભારતીય સમુદાયનો તેમના સ્નેહ માટે આભાર માનું છું.”

યુક્રેન પર રશિયાના આક્રમણ પછી મોદીની આ પ્રથમ રશિયા યાત્રા છે. વડાપ્રધાન મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે પ્રેસિડન્ટ પુતિનના આમંત્રણ પર 8 થી 9 જુલાઈ સુધી મોસ્કોમાં રહેશે. ફેબ્રુઆરી 2022માં મોસ્કોએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. ક્રેમલિને જણાવ્યું હતું કે પશ્ચિમ દેશો “ઈર્ષ્યા” સાથે મોદીની મુલાકાત પર નજર રાખી રહ્યાં છે. 9 જુલાઈના રોજ રશિયાની મુલાકાત પૂરી થયા પછી વડાપ્રધાન મોદી ઑસ્ટ્રિયા જવા રવાના થશે. ઓસ્ટ્રીયમાં છેલ્લાં 40 વર્ષમાં ભારતના કોઇ વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હશે.

વડાપ્રધાન મોદી સોમવારે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને આયોજિત કરેલા ખાનગી ભોજનસમારંભમાં હાજરી આપશે. મંગળવારે મોદી રશિયામાં ભારતીય સમુદાયને મળશે. ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કર્યા પછી વડાપ્રધાન ક્રેમલિનમાં સૈનિકની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને મોસ્કોમાં એક પ્રદર્શન સ્થળની મુલાકાત લેશે.

ભારતના રાજદૂત વિનય કુમારે જણાવ્યું હતું કે બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના વધુ વિકાસ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે તથા પરસ્પર હિતના અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરશે. આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ત્રણ વર્ષના અંતરાલ પછી થઈ રહી છે. ભારત અને રશિયા વચ્ચે પરંપરાગત રીતે દર વર્ષે સમીટ સ્તરની બેઠકો યોજાય છે. છેલ્લી સમીટ 2021માં યોજાઈ હતી. આ પછીથી વિશ્વ ઘણું બદલાઈ ગયું છે, પરંતુ આપણા સંબંધો પણ વિસ્તર્યા છે.

આ 22મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય સમિટ હશે. છેલ્લી સમિટ ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે રશિયા હવે ભારતમાં ઉર્જા સંસાધનોનો  એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોતો છે. આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ વેપાર વિસ્તર્યો છે. મોદી અને પુતિન વચ્ચે કયા મુદ્દા પર ચર્ચાવિચારણા થશે તેવા સવાલના જવાબમાં રાજદૂતે જણાવ્યું હતું કે બંને નેતાઓ શું વાતચીત થશે તે અંગે હું પૂર્વાનુમાન કરવાની સ્થિતિમાં નથી. પરંતુ હું તમને ચોક્કસપણે કહી શકું છું કે આ મુલાકાત પ્રેસિડન્ટ અને વડાપ્રધાનની વાર્ષિક મુલાકાતના માળખામાં છે. તેથી સંદર્ભ દ્વિપક્ષીય છે. પરંતુ યુક્રેન યુદ્ધ સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચોક્કસ ચર્ચાવિચારણા થશે. નેતાઓ આ ગતિવિધિઓ અંગે તેમના વિચારો અને વલણનું આદાનપ્રદાન કરશે.

 

LEAVE A REPLY