ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુનાઇટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલની હાઇલેવલ ઓપન ડિબેટની અધ્યક્ષતા કરીને તેમના સંબોધતા દરિયાઇ સુરક્ષા વધારવાનાં વિષય પર ભાર મુકતા મૂકીને પાંચ સિદ્ધાંતો આપ્યા હતા. તેમણે કહ્યું કે આજે ત્રાસવાદી ઘટનાઓ અને સમુદ્ર લુંટારાઓ માટે દરિયાઇ માર્ગોનો ઉપયોગ થઇ રહ્યો છે, એટલા માટે જ આ વિષયને સુરક્ષા પરિષદની પાસે લઇને આવ્યા છે. યુએન સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરનાર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે.
મોદીએ જણાવ્યું કે દરિયાઈ વિવાદોનું સમાધાન શાંતિપુર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનાં આધારે થવું જોઇએ, આપણે કુદરતી હોનારતો અને પડકારોનો સાથે મળીને સામનો કરવો જોઇએ. બેઠકની અધ્યક્ષતા કરતા મોદીએ સભ્યો સમક્ષ પાંચ સિદ્ધાંતો પણ મૂક્યા હતા. પાંચ સિદ્ધાંતો સમજાવતા તેમણે કહ્યું હતું કે પહેલા આપણે કાયદેસર દરિયાઈ વેપારમાં અવરોધો દૂર કરવા જોઈએ. બીજો સિદ્ધાંત એ છે કે દરિયાઈ વિવાદો શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય કાયદાના આધારે ઉકેલવા જોઈએ. પરસ્પર વિશ્વાસ અને આત્મવિશ્વાસ માટે આ જરૂરી છે. આના દ્વારા જ આપણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકીએ છીએ.
ત્રીજો સિદ્ધાંત એ કે આપણે એકસાથે કુદરતી આફતો અને દરિયાઈ જોખમોનો સામનો કરવો પડશે જે નોન-સ્ટેટ એક્ટર્સ દ્વારા પેદા કરવામાં આવે છે. ભારતે આ વિષય પર પ્રાદેશિક સહયોગ વધારવા માટે અનેક પગલાં લીધા છે.
ચોથો સિદ્ધાંત એ છે કે આપણે દરિયાઈ પર્યાવરણ અને દરિયાઈ સંસાધનોનું જતન કરવું જોઈએ. આપણે જાણીએ છીએ તેમ, મહાસાગરોની સીધી અસર આબોહવા પર પડે છે. તેથી, આપણે આપણા દરિયાઇ વાતાવરણને પ્લાસ્ટિક અને ઓઇલ લિકેજ જેવા પ્રદૂષણથી મુક્ત રાખવું પડશે.
પાંચમો સિદ્ધાંત એ છે કે આપણે જવાબદાર દરિયાઈ સંપર્કને પ્રોત્સાહન આપવું જોઈએ. આવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનાં વિકાસ માટે દેશોની નાણાકીય સ્થિરતા અને શોષણ ક્ષમતાને ધ્યાનમાં લેવી પડશે.