વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના પ્રવાસના પ્રથમ દિવસે બુધવાર, 19 ઓક્ટોબરે રાજકોટમાં રોડ-શો કર્યો હતો અને જૂનાગઢમાં જનસભા સંબોધી હતી. મોદીએ રાજકોટને રૂ. 85 કરોડના ખર્ચે બનેલા રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું અને રૂ.7,000 કરોડથી વધારેના વિકાસને લગતા કાર્યોની સોગાદ આપી હતી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં પહેલા તેમણે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.
મોદીએ રાજકોટમાં એરપોર્ટથી રેસકોર્સ સુધી આશરે 1.5 કિમી લાંબો કેસરીયા રંગથી સુશોભિત કારમાં ભવ્ય રોડ-શો યોજ્યો હતો. આ રોડ-શોમાં લાખોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીનું અભિવાદન જીલ્યું હતું. નરેન્દ્ર મોદીની સાથે ગાડી પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સાથે જોડાયા હતા.
રોડ શો દરમિયાન ભાજપના આગેવાનોએ તથા શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગરબા, તલવાર, રાસ, પરંપરાગત વેશભૂષા છત્રીઓ સાથે વડાપ્રધાનને આવકાર્યા હતા. રાજકોટમાં મોદીના રોડ શો માટે આશરે 67 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા. આ
ગુજરાતનું અપમાન કરતાં લોકો સામે લાલ આંખ કરવાની જરૂરઃ મોદી
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં તેમણે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર કહ્યું હતું કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેટલાક રાજકીય પક્ષોને ગુજરાતને અપમાનિત કરે છે. આવા લોકો પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. ગુજરાતમાં ગુજરાતનું અપમાન સહન નહીં થાય. કેટલાક રાજકીય પક્ષોને તો જાણે ગુજરાતને ગાળો આપ્યા વિના, ગુજરાતીઓને ગાળો આપ્યા વિના તેમની રાજનૈતિક વિચારધારા અધૂરી રહે છે. તેમની સામે આંખ લાલ કરવાની જરૂર છે.
મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનની સરકારમાં ગુજરાત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. એક સમય હતો, કે જ્યારે લોકો કામ માટે જુનાગઢ છોડીને જઈ રહ્યા હતા, પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. જુનાગઢની ધરતી સિંહની ધરતી છે અને નરસિંહની ધરતી પણ છે. સૌરાષ્ટ્રની ધરતી પર નર્મદાના પાણીથી ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આજે જુનાગઢની કેરી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેમને અભિનંદન આપું છું તેમણે ગુજરાતમાં રાંઘણ ગેસના બે સિલિન્ડર મફત આપવાનો નિર્ણય કર્યો છે.