ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસ મંગળવાર (11 ઓક્ટોબરે) વડાપ્રધાન મોદી અમદાવાદમાં અસારવાની સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.1,275 કરોડના હેલ્થકેર પ્રોજેક્ટ્સનું પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં શાહીબાગ મેડિસિટી, સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રૂ.૭૧૨ કરોડના વિવિધ હેલ્થ સુવિધાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. ૧૮ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત આવશે. ગાંધીનગર ખાતે ૧૮થી ૨૨ દરમિયાન આયોજિત ડિફેન્સ એક્સ્પો ૨૦૨૨નું ઉદ્ઘાટન કરશે.
સોમવારે વડાપ્રધાન મોદીએ ભરૂચના આમોદ, આણંદ, અમદાવાદ તથા જામનગરના કાર્યક્રમોમાં વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. મંગળવારે અમદાવાદમાં મેડિસિટી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં રૂ.૭૧ કરોડના ખર્ચે તૈયાર નવી હોસ્ટેલ બિલ્ડિંગ, હૃદયની અદ્યતન સારવાર માટે ₹54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન અમદાવાદના અસારવા ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)ની રૂ.૪૦૮ કરોડના ખર્ચે નિર્મિત ૮૫૦ બેડની સુવિધા સાથેની નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. મેડિસિટીમાં ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની રૂ.૧૪૦ કરોડના ખર્ચે બનેલી ‘સી’ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.