લોકસભાની ચૂંટણી માટે ભાજપના કાર્યકારોને તૈયાર રહેવાનું આહ્વાન કરતાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે જણાવ્યું હતું કે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર હવે ભારત પૂરતું મર્યાદિત નથી, તે વૈશ્વિક સ્તરે ફેલાઈ ગયું છે. G20 ગ્રૂપનું ભારતને મળેલું પ્રમુખપદ તેનું ઉદાહરણ છે.
આદિત્યનાથે કહ્યું હતું કે “વિશ્વમાં કટોકટી આવે ત્યારે દરેક વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ આશા સાથે જુએ છે. 2019માં બનાવવામાં આવેલું ‘મોદી હૈ તો મુમકીન હૈ’ સૂત્ર આજે માત્ર ભારતનું સૂત્ર નથી, તે વૈશ્વિક મંત્ર બની ગયું છે અને ભારતને G-20 નું પ્રમુખપદ મળવું એ તેનું ઉદાહરણ છે.”
લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ભાજપની રાજ્ય કાર્યકારિણીની બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે કહ્યું હતું કે “મોદીએ દરેક ભારતીયને G20 સાથે જોડ્યા છે. G20 સંબંધિત 11 કોન્ફરન્સ છે, જે આગ્રા, લખનૌ, વારાણસી અને ગૌતમબુદ્ધ નગરમાં યોજાશે.
10 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે યુપી નવા રોકાણ માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે અને ભાજપના દરેક કાર્યકર્તાએ આગળ આવવાની જરૂર છે. “આપણે બધા વિજયની ભાવના સાથે આગળ વધીશું. ઘણી બધી સંભાવનાઓ આપણી સામે આવશે.”
આદિત્યનાથે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરીને યુપીમાં બે તૃતીયાંશ બહુમતી સાથે સરકારની ફરીથી રચના કરવામાં આવી છે. તે ભાજપ જેવા વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના કાર્યકરોના ઉત્સાહનું પરિણામ હતું. રાજ્ય કાર્યકારી સમિતિની બેઠક માટે આજે આપણે અહીં ભેગા થયા છીએ ત્યારે ગુજરાતમાં ભાજપની સાતમી વખત ઐતિહાસિક જીત આપણને નવા ઉત્સાહ સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.