વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ગુજરાતની યાત્રા દરમિયાન રાજ્યને રૂ. 25 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપે તેવી શક્યતા છે.
વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ) પર પહોંચ્યા હતા અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા. મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઇ-સંવાદ પણ કર્યો હતો.
અહીંથી વડાપ્રધાન રાજ્યભવન જવા માટે રવાના થશે અને ગાંધીનગરમાં જ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે 19 એપ્રિલે સવારે 9.40 વાગ્યે વડાપ્રધાન મોદી સચિવાલય સંકુલમાં આવેલા હેલિપેડથી જ બનાસકાંઠાના દિયોદર જવાના માટે રવાના થશે, અહીં તેઓ બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલા નવા ડેરી સંકુલનું લોકાર્પણ કરશે. અહીં દૂધની સાથે ચોકલેટ, ચીઝ, માખણ, છાસ, આઈસક્રીમ સહિતના ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં જ વડાપ્રધાન મોદી બટાકાના પ્રોસિંસિંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે અને કમ્યુનિટી રેડિયો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવાના છે. આ પછી પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે કે 19 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી બપોરે 3.30 વાગ્યે જામનગરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશન (WHO) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ દરમિયાન મોરેશિયસના વડાપ્રધાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશનના ડાયરેક્ટર જનરલ, આયુષ પ્રધાન સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
20 એપ્રિલે વડાપ્રધાન મોદીના પ્રવાસનો અંતિમ દિવસ રહેશે અને આ દિવસે સવારે 10.30 વાગ્યે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ત્રિદિવસીય આયુષ સમિટને ખુલ્લો મૂકશે. અહીંથી તેઓ 3.30 વાગ્યે દાહોદ જશે અને અહીં પાણી પુરવઠા, દાહોદ સ્માર્ટ સિટી, પીએમ આવાસ યોજના, જેટકોના સબ સ્ટેશન, પંચાયતના ભવનો અને આંગણવાડી સહિતની પરિયોજનાઓનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 20મી એપ્રિલે દાહોદમાં રૂ.20,0000 કરોડના રોકાણથી 9000 HPના ઈલક્ટ્રિક રેલવે એન્જિનના નિર્માણ માટેના પ્લાન્ટ માટે ખાતમુહૂર્ત કરશે.
તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય પછી વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં 10 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પછી ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તા પક્ષ મૌન છે પરંતુ વિધાનસભાની ડિસેમ્બર 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અને ભાજપ કાર્યલયમાં દોડધામ અને નેતાઓની ભાજપમાં એન્ટ્રીમાં વધારો જોવા મળ્યો છે.