ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને વિશેષ ભેટ આપીને તેમના સંસદીય મતક્ષેત્ર વારાણસીની લુપ્તપ્રાય થઈ રહેલા કલા પ્રત્યે વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. મોદીએ અમેરિકાની યાત્રા દરમિયાન કમલા હેરિસને વારાણસીના ‘ગુલાબી મીના’ તરીકે ઓળખતા પિન્ક ઇનામેલના બનેલા ચેસ સેટની ભેટ આપી હતી, જ્યારે મોરિસનને આ જ મટેરિયલનું બનેલું એક જહાજ સંભારણા તરીકે આપ્યું હતું.
કલાકૃતિ માટે રાષ્ટ્રપતિનો એવોર્ડ મેળવનારા વારાણસીના ગાયઘાટ વિસ્તારના આર્ટિસ્ટ કુંજબિહારીએ આ ભેટસોગાત બનાવી હતી. કુંજબિહારીએ જણાવ્યું હતું કે તેમને 19 સપ્ટેમ્બરે માહિતી આપવામાં આવી હતી કે વડાપ્રધાન મોદી તેમના દ્વારા બનાવવામાં આવેલા ચેસસેટ અને શિપ અમેરિકા લઈ જવા માગે છે. તેઓ આ ગિફ્ટ આપવા માટે દિલ્હી સેન્ટ્રલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગયા હતા. આ પછી જાણવા મળ્યું હતું કે આ ગિફ્ટ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ કુંજબિહારી પાસેથી વૃક્ષાસન પણ લીધું હતું, જે અમેરિકામાં વીઆઇપીને ભેટમાં આપવામાં આવ્યું હતું. કુંજબિહારીએ જણાવ્યું હતું કે પિન્ક ઇનામેલમાંથી કલાકૃતિ બનાવાનું અઘરું છે. માત્ર સિલ્વર અને ગોલ્ડમાં પિન્ક ઇનામેલ ચડાવવામાં આવે છે અને મેટલ ઓક્સાઇડમાંથી કલર આપવામાં આવે છે. સોના સાથે સેન્ડલવૂડ ઓઇલને મિક્સ કરીને ગુલાબી રંગ તૈયાર કરવામાં આવે છે. આ કલા મુગલ રાજ દરમિયાન ભારતમાં આવી હતી. વારાણસીમાં તે ‘મીનાકરી’ તરીકે ઓળખાય છે.
કુંજબિહારી તેમની માતા અને દાદા પાસેથી આ કલા શીખ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચાંદીના વધતાં જતા ભાવને કારણે પિન્ક ઇનામેલની કલાકૃતિનું કામ 10 વર્ષ પહેલા લગભગ બંધ થયું હતું. જીઆઇ ટેગને કારણે બ્રાન્ડિંગ થયું હતું. પરંતુ કોરોનાના કારણે આ કલા સંપૂર્ણપણે બંધ થવાની અણી પર છે. પરંતુ હવે વડાપ્રધાન મોદીને કારણે આ કલાને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી છે. આ ઘટના પછી માત્ર એક દિવસમાં મને આખા વર્ષનો ઓર્ડર મળ્યો છે.