વિરોધ પક્ષો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે ગાય અંગે વાત કરવાની બાબત કેટલાંક લોકો માટે પાપ છે, પરંતુ તે અમારા માટે માતા અને પૂજનીય છે. ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા બનાસ ડેરીના પ્લાન્ટ સહિત 27 પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધન કરતાં વડાપ્રધાને આ માર્મિક ટીપ્પણી કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું હતું કે ગાય અને ભેંસ અંગે મજાક કરતાં લોકો એ ભૂલી જાય છે કે આશરે આઠ કરોડ પરિવારોની આજીવિકાનું સાધન પશુધન છે. ગાય અને ગાયના છાણ અંગે વાત કરવાનું ઘણાને ગુનો લાગે છે. ગાય કેટલાંક લોકો માટે ગુનો હોઇ શકે શકે છે, પરંતુ અમારા માટે ગાય માતા છે, પૂજનીય છે.
સમાજવાદી પાર્ટી પર દેખિતો હુમલો કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેમના ડિક્શનરીમાં માફિયાવાદ અને પરિવારવાદનો સમાવેશ થાય છે, અમારું પ્રાધાન્ય સબકા સાથે સબકા વિકાસ છે. હું ડબલ એન્જિન, ડબલ પાવર અને ડબલ વિકાસની વાત કરી કરું ત્યારે કેટલાંકને દુઃખ થાય છે, કારણ જાતિ, સંપ્રદાય અને ધર્મના ચશ્માથી રાજકારણને જોતા આવા લોકો ક્યારેય યુપીમાં વિકાસ ઇચ્છતા નથી.
મોદીએ આક્ષેપ કર્યો હતો કે આવા લોકોને પૂર્વાંચલના વિકાસ અને બાબા વિશ્વનાથ ધામના વિકાસ સામે વાંધો છે. મને માહિતી મળી છે કે ગયા રવિવારે 1.50 લાખ યાત્રીઓ બાબા વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા. યુપીને પછાત રાજ્ય બનાવનારા લોકોનો ગુસ્સો વધશે, કારણ કે રાજ્યભરના લોકો ડબલ એન્જિન સરકારની પડખે અને તેમના આશીર્વાદ આપે છે.
પશુધનના મહત્ત્વના અંગે મોદીએ જણાવ્યું હતું કે એવો સમય હતો કે જ્યારે પશુધનને સમૃદ્ધિનું પ્રતિક ગણાતું હતું. આ ક્ષેત્રે હંમેશા મોટા પાયે રોજગારીનું માધ્યમ રહ્યું છે, પરંતુ લાંબા સમય સુધી આ ક્ષેત્રને જરૂરી સમર્થન મળ્યું ન હતું. ભારતમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લાં છ વર્ષમાં આશરે 45 ટકાનો વધારો થયો છે. હાલમાં વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે 22 ટકા છે, જે દેશમાં ઉત્પાદિત ઘઉં અને ચોખાના ખર્ચ કરતાં વધુ છે. તેથી તેમની સરકારનું પ્રાધાન્ય ડેરી ક્ષેત્રને મજબૂત કરવાનું છે.
મોદીએ ઉત્તરપ્રદેશમાં રૂ.2,095 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમાં ઉત્તરપ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ સત્તામંડળ ફૂડ પાર્કમાં બનાસ ડેરી સંકુલનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આશરે 30 એકર જમીનમાં રૂ.475 કરોડના ખર્ચ સાથે ડેરીનું નિર્માણ કરશે. તેમાં દૈનિક 5 લાખ લીટર દૂધનું પ્રોસેસિંગ થશે. વડાપ્રધાન 1.7 લાખ દૂધ ઉત્પાદકોના બેન્ક એકાઉન્ટમાં આશરે 35 કરોડનું બોનસ પણ ડિજિટલી ટ્રાન્સફર કર્યું હતું.