ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ પરિવર્તન અંગે યોજાઈ રહેલી 26મી કોર્પોરેશન ઓફ પાર્ટીઝ (COP26)માં સહભાગી બનવા માટે ગ્લાસગો પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ગ્લાસગોમાં ઉતર્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી હૈ ભારત કા ગહના’ ગીત દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
મોદીએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગ્લાસગોમાં ઉતરાણ થયું છે. COP26 સમીટમાં હાજરી આપીશ. અહીં ક્લાઇમેટ ચેન્જના મુદ્દે વિશ્વના બીજા નેતાઓ સાથે વિચારવિમર્શ કરવા આતુર છું અને આ સંદર્ભમાં ભારતના પ્રયાસોની માહિતી આપીશ.
ગ્લાસગોમાં ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરીને મોદીને આવકાર્યા હતા. ભારતીય સમુદાયના લોકોના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો અને કેટલાંક તાળીઓથી સ્વાગત કર્યું હતું અને કેટલાંક લોકો સૂત્રોચ્ચાર કરતાં હતા. કેટલાંક લોકોએ મોદીને નમસ્તે કહ્યું હતું. મોદીએ પણ તેમના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. મોદીની પ્રશંસા કરતાં ગીતો વગાડવામાં આવ્યા હતા. ઇસ દેશ કો યારો ક્યા કહેના મોદી હૈ ભારત કા ગહના ગીત વગાડ્યું હતું.
ભારતના વડાપ્રધાન 1 અને 2 નવેમ્બરના રોજ ગ્લાસગોમાં રહેશે. આ દરમિયાન સોમવારે સાંજે તેઓ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) તરફથી યોજાઈ રહેલી 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP26) રવિવારથી સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે શરૂ થઈ ગઈ છે અને 12મી નવેમ્બર સુધી ચાલશે. આ સમિટમાં આશરે 200 દેશોના પ્રતિનિધિઓ સહભાગી બની રહ્યા છે અને તેમાં 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કાપ મુકવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી આ સમિટને સંબોધિત પણ કરશે.
રવિવારે યુકેમાં ભારતના હાઈકમિશનર ગાયત્રી ઈસાર કુમારે જણાવ્યું કે, મોદી કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ અંતર્ગત 2 મહત્વપૂર્ણ પહેલની શરૂઆત કરશે. તેમણે જણાવ્યું કે, COP26 એક બહુપક્ષીય કાર્યક્રમ હશે અને તે સિવાય મોદી અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન વચ્ચે મુલાકાત પણ યોજાશે. આ બેઠકમાં 2030ના રોડમેપ અંગે પણ ચર્ચા થશે. મે મહિનામાં ભારત-યુકેએ 2030નો રોડમેપ લોન્ચ કર્યો હતો.
સોમવારે સમિટના અંતમાં મહેમાનો માટે સ્કોટલેન્ડના મશહૂર કેલ્વિનગ્રોવ આર્ટ ગેલેરી એન્ડ મ્યુઝિયમમાં રિસેપ્શન રાખવામાં આવશે. તેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. આ રિસેપ્શનમાં ક્વીન એલિઝાબેથ-2 સહિત શાહી પરિવારના સદસ્ય પ્રિન્સ ચાર્લ્સ, તેમના પત્ની કૈમિલા અને પ્રિન્સ વિલિયમ, તેમના પત્ની કેટ મિડલટન પણ સામેલ થશે.
મંગળવારે વડાપ્રધાન મોદી સ્વિત્ઝરલેન્ડ, ફિનલેન્ડ, ઈઝરાયલ, નેપાળ, મલાવી, યુક્રેન, જાપાન અને આર્જેન્ટિનાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સાથે જ માઈક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સની પણ મુલાકાત લેશે.