ગુજરાતના અડાજલ ખાતે વીડિયો કોન્ફરન્સથી શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ સાથેની મંત્રણામાં તેમણે ઓફર કરી હતી કે જો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) મંજૂરી આપે તો ભારત વિશ્વમાં અનાજનો સ્ટોક પૂરો પાડવા તૈયાર છે.
મોદીએ જણાવ્યું હતું કે યુદ્ધને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં અનાજનો સ્ટોક ઘટી રહ્યો છે. જોકે વિશ્વને આશ્ચર્ય થઈ રહ્યું છે કે ભારત સરકાર કોરોના મહામારી શરૂ થઈ તે પછીથી તેના આશરે 80 કરોડ લોકોને ફ્રી રાશન પૂરું પાડી રહી છે. હાલમાં વિશ્વમાં અનિશ્ચિતતાની સ્થિતિ છે. પેટ્રોલ, ક્રૂડ ઓઇલ અને ફર્ટિલાઇઝર્સ મેળવવાનું મુશ્કેલ બન્યું છે, કારણ કે તમામ દ્વાર બંધ થયા છે. દરેક દેશ યુક્રેન યુદ્ધ પછી તેમના સ્ટોક સુરક્ષિત કરવા માગે છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વ હવે નવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. હાલમાં વિશ્વનો ફૂડ સ્ટોક ખાલી થઈ રહ્યો છે. મે અમેરિકાના પ્રેસિડન્ટ સાથે વાતચીત કરી હતી અને તેમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મે સૂચન કર્યું હતું કે જો ડબલ્યુટીઓ મંજૂરી આપે તો ભારત આવતીકાલથી વિશ્વને અનાજનો સપ્લાય આપવા તૈયાર છે. અમારી પાસે પૂરતું અનાજ છે, પરંતુ અમારા ખેડૂતોએ વિશ્વ માટે વ્યવસ્થા કરી હોય તેમ લાગે છે. જોકે અમારે વિશ્વના કાયદાનું પાલન કરવું પડે છે. તેથી હું જાણતો નથી કે ડબલ્યુટીઓ ક્યારે પરવાનગી આપશે અને અમે વિશ્વને અનાજનો સપ્લાય કરી શકીશું.