(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત સહિતના 11 રાજ્યોમાં ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડતી નવ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવી હતી. ગુજરાતમાં જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે. આ નવ ટ્રેનો 11 રાજ્યોમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ રાજ્યમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડનો સમાવેશ થાય છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ઝડપ અને વ્યાપ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાથે મેળ ખાય છે. વંદે ભારત ટ્રેનોની લોકપ્રિયતા સતત વધી રહી છે અને આશરે 1,11,00,000થી વધુ મુસાફરો તેમાં મુસાફરી કરી ચૂક્યા છે.

આ વંદે ભારત ટ્રેનો ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ (રેનિગુંટા થઈને); પટના-હાવડા, કાસરગોડ-તિરુવનંતપુરમ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, રાંચી-હાવડા, અને જામનગર-અમદાવાદનો સમાવેશ થાય છે.

વડાપ્રધાને નોંધ્યું હતું કે 25 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે અને હવે નવ વધુ ઉમેરવામાં આવી છે. આ ટ્રેનો દેશના તમામ ભાગોને જોડશે તે દિવસો હવે દૂર નથી. ભારતીય રેલ્વે ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સૌથી ભરોસાપાત્ર હમસફર છે. એક દિવસમાં રેલ્વેમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા ઘણા દેશોની વસ્તી કરતા વધુ છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારતીય રેલ્વેના આધુનિકીકરણ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી. પરંતુ હવે અમારી સરકાર ભારતીય રેલ્વેના પરિવર્તન માટે કામ કરી રહી છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે તમામ ભારતીયોને નવા ભારતની સિદ્ધિઓ પર ગર્વ છે અને ચંદ્રયાન-3ની સફળતાને કારણે સામાન્ય વ્યક્તિની અપેક્ષાઓ આસમાને પહોંચી ગઈ છે. G20 સમિટની સફળતાએ વિશ્વાસ અપાવ્યો છે કે ભારતમાં લોકશાહી, વસ્તી અને વિવિધતાની શક્તિ છે.

LEAVE A REPLY