વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રીજી વખત શપથ લેશે અને સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનીને દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરશે. લોકસભાની ચૂંટણીના રિઝલ્ટ પછી નવી દિલ્હીમાં બુધવારે ભાજપની આગેવાની હેઠળના એનડીએ ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટીડીપીના ચદ્રબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમાર સહિતના ઘટક પક્ષોના નેતાઓએ સમર્થનપત્રો આપ્યા હતા.
આ અગાઉ મોદી તેમનું અને તેમના પ્રધાનમંડળનું રાજીનામું આપવા માટે બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતાં. રાષ્ટ્રપતિએ તેમને શપથ ગ્રહણ સુધી તેમની ભૂમિકામાં ચાલુ રહેવાની સૂચના આપી હતી.
મોદીની ભારતીય જનતા પાર્ટીને આ વખતની લોકસભાની ચૂંટણીમાં 240 બેઠકો મળી છે, જે 272-બહુમતીના આંકથી 32 ઓછી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 282 અને 2019ની ચૂંટણીમાં 303 બેઠકો મળી હતી. વડાપ્રધાન મોદીએ તેમની ત્રીજી ટર્મ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઘટક પક્ષોએ જીતેલી 53 બેઠકો પર નિર્ભર રહેવું પડશે અને ગઠબંધન સરકાર ચલાવવી પડશે.
અગાઉ મોદીએ પુષ્ટિ કરી હતી કે એનડીએ ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો કરશે અને તેમની સરકારની કેબિનેટની અંતિમ બેઠક કરી હતી.
આ વખતે સરકાર બનાવવામાં તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુ અને જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમાર કિંગમેકર બન્યાં છે. નાયડુની ટીડીપી પાસે 16 લોકસભા સાંસદો છે અને નીતિશ કુમારની જેડીયુ પાસે 12 સાંસદો છે. આ બંનેના સાંસદોની કુલ સંખ્યા 28 થાય છે. એનડીએને કુલ 293 બેઠકો મળી છે. જો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાના તરફ ખેંચી જશે તો એનડીએની સભ્યસંખ્યા ઘટીને 265 થઈ જશે, જે બહુમતી કરતાં ઓછી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન નાયડુ અને નીતિશ કુમાર બંનેનો સંપર્ક કરી રહ્યાં છે. કોંગ્રેસ આ વિષય પર સતર્ક છે, પરંતુ ગઠબંધનના વરિષ્ઠ નેતાઓએ સૂચવ્યું છે કે આ એક સંભવિત પગલું હોઇ શકે છે. નીતિશ કુમારે આવી અટકળો પર કોઇ ટિપ્પણી કરી નથી, પરંતુ નાયડુએ બુધવારે દિલ્હીમાં પત્રકારોને કહ્યું હતું કે, “હું એનડીએમાં છું… મીટિંગ માટે જાઉં છું.”