ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વકાંક્ષાને હાંસલ થતાં તેમને નિર્ધારિત કરેલા સમય કરતાં વધુ સમય લાગી શકે છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ તેના અંદાજમાં જણાવ્યું છે. કેન્દ્ર સરકાર 2024-25ના નાણાકીય વર્ષ સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. જોકે આઇએમએફના અંદાજમાં જણાવાયું છે કે ભારત 2028-29ના નાણાકીય વર્ષ સુધી આ સિદ્ધિ હાંસલ કરી શકશે નહીં. આનો અર્થ એવો થાય છે કે ભારત સરકારને તેનો આ લક્ષ્યાંક હાંસલ કરવામાં ઓછામાં ઓછા ચાર વર્ષનો વિલંબ થઈ શકે છે.
2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024-25 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી તથા વૈશ્વિક આર્થિક પાવરહાઉસ બનાવવાની મહત્ત્વકાંક્ષી જાહેરાત કરી હતી. આની સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે. જોકે આઇએમએફના અંદાજ મુજબ હાલના વૃદ્ધિદરના આધારે ભારતની જીડીપી 2027-28 સુધીમાં આશરે 4.92 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે, જે 5 ટ્રિલિયન ડોલરના આંક કરતાં ઓછી છે. હાલમાં ભારતના જીડીપીનું કદ આશરે 3.04 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે.
ગયા મહિને જારી કરેલા લેટેસ્ટ વર્લ્ડ ઇકોનોમી આઉટલૂક રીપોર્ટમાં આઇએમએફએ 2022-23ના ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિદરના અંદાજને 0.8 ટકા ઘટાડીને 8.2 ટકા કર્યો હતો. આની સામે ભારતની રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના અર્થતંત્રમાં 7.2 ટકા વૃદ્ધિનો અંદાજ આપેલો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે 2023-24ના નાણાકીય વર્ષ માટે પણ ભારતના રિયલ જીડીપી વૃદ્ધિના અંદાજને 0.20 ટકા ઘટાડીને 6.9 ટકા કર્યો હતો.
આઈએમએફએ જણાવ્યું હતું કે ભારતના જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડાનું કારણ નબળી ઘરેલુ માગ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે ખાનગી વપરાશ અને રોકાણને પણ પ્રતિકૂળ અસર થવાની ધારણા છે. ભારતની નિકાસ વૃદ્ધિ પણ નીચી રહી છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો તે પછી કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધને કારણે પણ ભારતના અર્થતંત્રને ફટકો પડ્યો છે. કોરોના મહામારી દરમિયાન ભારતના અર્થતંત્રમાં વૃદ્ધિની જગ્યાએ તેમાં ઘટાડો થયો હતો અને તેમાંથી રિકવરી આવે તે પહેલા યુક્રેન યુદ્ધ ચાલુ થયું છે. તેનાથી ક્રૂડ ઓઇલના ભાવમાં અસાધારણ વધારો થયો છે.