વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી કરી હતી. મોદીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામના પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો હતો. મોદીએ ભગવાન રામની નગરી અયોધ્યાના સરયૂ ઘાટ ખાતે સંધ્યા આરતીમાં પણ ભાગ લીધો હતો.
14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવાના દિવ્ય પ્રસંગ પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના લોકો હાજર હતા. ભગવાન રામને આવકારવા માટે પુષ્પક વિમાનથી પણ પુષ્પોની વર્ષા કરવામાં આવી હતી. આ દિવ્ય તસવીર જોઈને આખું અયોધ્યા શહેર રોમાંચિત થઈ ગયું હતું. સ્થળ પર હાજર સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા.
ભગવાન શ્રી રામની અયોધ્યામાં 15 લાખ દીવાઓ પ્રગટાવવાનો નવો રેકોર્ડ બન્યો હતો. મોદીએ રામ કી પૌડી ખાતે લેસર શો દ્વારા યોજાયેલી રામ કથા જોઈ હતી. આ પછી ડિજિટલ ફટાકડાનો નજારો જોવા મળ્યો હતો. આ પહેલા તેમણે રામલલ્લાના દર્શન કર્યા હતા. ભગવાન રામને તિલક લગાવીને તેમનો રાજ્યાભિષેક થયો હતો.
મોદીએ જનતાને સંબોધન કર્યું. પીએમએ કહ્યું, એક સમય હતો જ્યારે આપણા જ દેશમાં શ્રી રામના અસ્તિત્વ પર સવાલો ઉભા થતા હતા. પરિણામ એ આવ્યું કે આપણા દેશના ધાર્મિક સ્થળોનો વિકાસ પાછળ રહી ગયો. છેલ્લા આઠ વર્ષમાં અમે ધાર્મિક સ્થળોના વિકાસનું કામ આગળ વધાર્યું છે.