વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકસમયમાં તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. કેબિનેટમાં હાલ 28 પ્રધાન પદ ખાલી છે અને માનવામાં આવે છે કે 17-22 સાંસદોને પ્રધાનપદના શપથ લેવડાવાય તેવી શકયતા છે. કેબિનેટના વિસ્તરણ પહેલા કેટલાંક સાંસદો દિલ્હીમાં પણ આવી પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીએ 2 દિવસ સુધી ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બી એલ સંતોષની સાથે કેબિનેટના વિસ્તરણ અંગે બેઠક કરી છે. વડાપ્રધાન તરીકે મોદીએ બીજી વખત મે-૨૦૧૯માં શપથ ગ્રહણ કર્યા પછી પહેલી વખત કેબિનેટનું વિસ્તરણ થશે. અત્યારે મોદીના પ્રધાનમંડળમાં ૫૩ પ્રધાનો કાર્યરત છે અને વધુમાં વધુ ૮૧ પ્રધાનોનો કેબિનેટમાં સમાવેશ કરી શકાય છે.
વડાપ્રધાન મોદી પોતાના પ્રધાનમંડળમાં કયા નવા ચહેરાને સ્થાન આપે છે અને કોની બાદબાકી કરે છે તે અંગે અત્યારથી જ જાતભાતના અંદાજો માંડવામાં આવી રહ્યા છે. નવા ચહેરામાં થોડા સમય પહેલા ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ સરબાનંદ સોનોવાલનો સમાવેશ નક્કી મનાઈ રહ્યો છે. સોનોવાલને હાલમાં જ આસામની મુખ્યપ્રધાન પદની ખુરશી છોડવી પડી છે, જ્યારે સિંધિયા લાંબા સમયથી પ્રધાન બનવાની રાહ જોઈને બેઠા છે.
બિહારમાં લોકજનશક્તિ પાર્ટીમાં દિવંગત નેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન સામે બળવો કરીને અલગ થયેલા સાંસદ પશુપતિ પારસ અન JDUના આરસીપી સિંહને પ્રધાન બનાવવામાં આવી શકે છે. બિહારમાંથી 2-3 નામોની ચર્ચા છે. ઉત્તરપ્રદેશના અપના દળની અનુપ્રિયા પટેલનું નામ સૌથી આગળ છે. અનુપ્રિયા ગયા મહિને દિલ્હી જઈને અમિત શાહને પણ મળ્યાં હતા. આ સિવાય વરુણ ગાંધી, રામશંકર કઠેરિયા, અનિલ જૈન, રીતા બહુગુણા જોશી, જફર ઈસ્લામના નામ પણ ચર્ચામાં છે.