કેન્દ્રીય બજેટમાં ગરીબ, મધ્યવર્ગ અને યુવાનો માટે પાયાની સુવિધા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આત્મનિર્ભર બને તે આવશ્યક છે.
ભાજપના એક કાર્યક્રમમાં ‘આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’ અંગે સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે કોરોના બાદ નવી વૈશ્વિક વ્યવસ્થાની શક્યતા ઊભરી છે અને તેના પ્રારંભિક સંકેતો દેખાય છે. વિશ્વ ભારતને જે નજરે જોવે છે તેમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. વિશ્વ ભારતને એક સશક્ત અને મજબૂત દેશ તરીકે જોવા માગે છે. આપણે માટે આવશ્યક છે કે આપણે ઊંચી ગતિ સાથે દેશને આગળ લઈ જઈએ અને વિવિધ ક્ષેત્રોમાં તેને મજબૂત બનાવીએ.
મોદીએ કહ્યું હતું કે ભારત માત્ર સ્વાવલંબી જ ન બને, પરંતુ આધુનિક ભારતનું નિર્માણ આત્મનિર્ભર ભારતના પાયા પર થાય તે મહત્ત્વનું છે. રાજકીય ભેદભાવને બાજુ પર રાખીને આ બજેટને તમામ વર્ગના લોકોએ આવકાર્યું છે.
સરદહી ગામો પરથી લોકોનું સ્થળાંતર દેશની સુરક્ષા માટે યોગ્ય ન હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે સરદહ પર વાયબ્રન્ટ વિલેજના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામથી ઉત્તરાખંડ, અરુણાચલપ્રદેશ અને લડાખના સરહદી ગામોને લાભ થશે. સરકારે સરહદ પરના ગામોના યુવાનોને નેશનલ કેડેટ કોર્પ તાલીમ આપવાની યોજના બનાવી છે અને તેનાથી યુવાનોને લશ્કરી દળોમાં જોડાવામાં મદદ મળશે.
વડાપ્રધાનને જણાવ્યું હતું કે બજેટમાં સ્પોર્ટ્સને મહત્ત્વ આપવામાં આવ્યું છે અને તે માટેની ફાળવણીમાં ત્રણ ગણો વધારો થયો છે. ટૂંકસમયમાં દરેક ગામડાને ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી મળશે અને 5G ટેકનોલોજીથી નવા યુગનો પ્રારંભ થશે. ડિજિટલ રૂપીથી ફિનટેક ક્ષેત્રમાં નવી તકો ઊભી થશે. બજેટમાં સ્ટાર્ટ-અપ માટેના ટેક્સ લાભોથી યુવાનોને ઇનોવેશન માટે પ્રેરણા મળશે. બજેટમાં યુપીએના વર્ષો કરતાં જાહેર રોકાણમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.