લોકસભાની ચૂંટણીના ચાર જૂને રિઝલ્ટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ રવિવારે તાબડતોબ સંખ્યાબંધ બેઠકો યોજી હતી અને નવી સરકારના 100 દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે એક મેરેથોન મંથન સેશન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં હીટવેવની સ્થિતિની સમીક્ષા કરી હતી તથા હોસ્પિટલો અને અન્ય જાહેર સ્થળો પર નિયમિત ફાયર અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચૂંટણી રિઝલ્ટ પહેલા મોદીએ અગાઉથી શ્રેણીબદ્ધ બેઠકો યોજીને પોતાના આત્મવિશ્વાસનો પરિચય આપ્યો હતો.
મોદીએ રેમલ વાવાઝોડા પછી ખાસ કરીને ઉત્તરપૂર્વના રાજ્યોની સ્થિતિની સમીક્ષા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાનના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ, NDRFના ડીજી અને પીએમઓના બીજા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
તેમણે 4 જૂને લોકસભાના પરિણામો જાહેર થયા પછી શપથ લેનારી નવી સરકારના 100-દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે બીજી એક બેઠક યોજી હતી.
સત્તાવાર નિવેદન અનુસાર દેશના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિની સમીક્ષા કરવા માટેની બેઠકમાં મોદીએ અધિકારીઓને સૂચના આપી હતી કે આગની ઘટનાઓને રોકવા અને તેને નિયંત્રિત કરવા માટે યોગ્ય કવાયત નિયમિત ધોરણે હાથ ધરવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે જંગલોમાં ફાયર લાઇનની જાળવણી અને બાયોમાસના ઉત્પાદક ઉપયોગ માટે નિયમિત ડ્રિલનું આયોજન કરવું આવશ્યક છે.
મોદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોને સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલુ રાખશે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકોમાં ટોચના અમલદારો હાજર રહ્યાં હતા. મોજીએ 5 જૂને આવતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
લોકસભાની ચૂંટણીની કવાયત શરૂ થાય તે પહેલાં જ મોદીએ નવી સરકાર માટે 100 દિવસનો એજન્ડા તૈયાર કરવા માટે વિવિધ સરકારી મંત્રાલયોને આદેશ આપ્યા હતા. તેમણે તેમના પ્રધાનમંડળના સભ્યોને નવી સરકારના પ્રથમ 100 દિવસ માટે કાર્યક્રમો અને પહેલોને પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.
નવી સરકારના 100 દિવસના એજન્ડાની સમીક્ષા કરવા માટે લાંબા મંથન સત્ર સહિત અનેક બેઠકો યોજવા બદલ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ દબાણની યુક્તિઓ છે. જેના મારફત મોદી અમલદારો અને વહીવટીતંત્રને સંદેશ આપવા માગે છે કે તેઓ પરત આવી રહ્યાં છે. આ તમામ માઇન્ડ ગેમ છે. અમે આશા રાખીએ છીએ કે મતોની નિષ્પક્ષ ગણતરીની જવાબદારી સોંપવામાં આવી છે તેવા સનદી અધિકારીઓ આવી દબાણની યુક્તિઓથી ડરશે નહીં.