ગયા સપ્તાહે અમેરિકાની યાત્રાએ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેન વચ્ચે શુક્રવારે વ્હાઈટ હાઉસમાં બેઠક યોજાઇ હતી. બાઇડેન પ્રેસિડન્ટ બન્યાં પછી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ બેઠક હતી. વડાપ્રધાન મોદી શુક્રવારે રાત્રે ક્વાડ દેશોની સમીટમાં પણ હાજર રહ્યા હતા. બાઇડેને કોરોના સામેની લડાઈ, પર્યાવરણ સામેના વૈશ્વિક પડકારો અને સુરક્ષિત ઇન્ડો પેસિફિક વિસ્તાર માટે ભારતના સહયોગ સાથે વધુ કામગીરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં બાઇડેને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બનશે.મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટને જણાવ્યું હતું કે આ દાયકો ટેલેન્ટ અને લોકોના લોકો સાથે જોડાણથી આકાર લેશે. મને ખુશી છે કે ઇન્ડિયન ડાયાસ્પોરા અમેરિકાની પ્રગતિમાં સક્રિય યોગદાન આપી રહ્યો છે.
દ્વિપક્ષી સમીટને મહત્ત્વની ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે આપણે આ સદીના ત્રીજા દાયકાના પ્રારંભમાં મળી રહ્યાં છીએ. આપણી નેતાગીરી આ દાયકામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમેરિકા અને ભારત વચ્ચે ક્યારેય ન હોય તેવી મજબૂત મિત્રતાનો પાયો નંખાયો છે. વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં બાઈડેને કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકા-ભારત સંબંધો અનેક વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. 2006માં હું વાઇસ પ્રેસિડન્ટ હતો ત્યારે મે કહ્યું હતું કે 2020 સુધીમાં ભારત અને અમેરિકા વિશ્વના સૌથી નજીકના દેશ હશે. મુલાકાત સમયે બાઈડેને તેમની મુંબઈ મુલાકાત યાદ કરી હતી. તે સમયે તેઓ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બન્ને દેશની લોકશાહી અને પરંપરાઓ વિશ્વ માટે મિસાલ છે. બાઈડેનનું વિઝન અમારા માટે પ્રેરક છે. અમેરિકામાં 40 લાખ ભારતીયો છે. અહીં અમેરિકાને શક્તિશાળી બનાવવામાં મદદ કરી રહ્યા છે. આપણે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધારવો પડશે. ભારત – અમેરિકા વચ્ચે વેપારનું આગવું મહત્વ છે. આ દાયકામાં વેપાર ક્ષેત્રે પણ આપણે એકબીજાને વ્યાપક પ્રમાણમાં મદદ કરી શકીએ છીએ.
મોદીએ આ ઉપરાંત અમેરિકાની અગ્રણી કંપનીઓના સીઈઓ – મુખ્ય અધિકારીઓ સાથે પણ એક ખાસ બેઠક કરી હતી, જેમાં કેટલીક કંપનીઓએ ભારતમાં પોતાના કારોબારનું વિસ્તરણ કરવામાં રસ દર્શાવ્યો હતો. એમા ક્વાલકોમ, એડોબી, ફર્સ્ટ સોલર, જનરલ એટોમિક્સ તથા બ્લેકસ્ટોનનો સમાવેશ થાય છે.
દરેક મુલાકાતની માફક આ વખતે પણ મોદી અમેરિકા પહોંચ્યા ત્યારે ત્યાં સ્થાયી થયેલા ભારતીયો તેમની એક ઝલક જોવા, તેમને મળવા આતુર હતા અને ઈન્ડિયન અમેરિકન સમુદાયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
મોદીએ અમેરિકા જતા – આવતા વિમાની સફર દરમિયાન તેમજ અમેરિકામાં મળી 24 બેઠકોમાં ભાગ લીધો હતો તેમજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા (યુએન જનરલ બોડી મીટિંગ) ને સંબોધન પણ કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ત્રાસવાદ તેમજ પ્રદેશ વિસ્તારવાદના કેટલાક દેશોના વલણનો ઉલ્લેખ કરી નામ લીધા સિવાય ખાસ કરીને પાકિસ્તાન તેમજ ચીન ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અમેરિકામાં એક તરફ તો ભારત અને મોદી છવાયેલા હતા, તો બીજી તરફ પાકિસ્તાનનો કોઈ ભાવ પૂછાતો નહીં હોવાથી તેના વડાપ્રધાન ઈમરાન ખાને તો અમેરિકા જવાનું જ માંડી વાળ્યું હતું.