યુએસ પ્રમુખ જો બાઇડેન સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાત્રે એક વર્ચ્યુઅલ મીટિંગમાં આશા વ્યક્ત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાતચીત સંઘર્ષગ્રસ્ત દેશમાં શાંતિનો માર્ગ મોકળો કરશે. તેમની શરૂઆતની ટિપ્પણીમાં, મોદીએ બુચા શહેરમાં નિર્દોષ નાગરિકોની હત્યાના તાજેતરના અહેવાલોને “ખૂબ જ ચિંતાજનક” ગણાવ્યા હતા. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત તેની નિંદા કરે છે અને ન્યાયી તપાસની માંગ કરે છે.aw
વડા પ્રધાન મોદીએ યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે આ અગાઉ ફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે “મેં રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરવાનું સૂચન કર્યું હતું. વિશ્વની બે સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી તરીકે, અમે કુદરતી ભાગીદાર છીએ. આજે અમારી વાતચીત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેનની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.”
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેનના લોકો માટે ભારતના માનવતાવાદી સમર્થનનું સ્વાગત કરતાં કહ્યું હતું કે ‘’અમેરિકા અને ભારત આ રશિયન યુદ્ધની અસરો સંભાળવા અને સ્થિર કરવા અંગે ગાઢ પરામર્શ ચાલુ રાખવા જઈ રહ્યા છે.’’ બાઇડેને ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત અને વધતી જતી સંરક્ષણ ભાગીદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મોદી-બાઇડેનની આ બેઠક વોશિંગ્ટનમાં ભારત-યુએસ વચ્ચેના ચોથા ‘2+2’ સંવાદ પહેલા થઈ હતી, જેનું નેતૃત્વ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારત તરફથી વિદેશ પ્રધાન એસ જયશંકર તેમના યુએસ સમકક્ષો, ડીફેન્સ સેક્રેટરી લોઇડ ઓસ્ટીન અને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ એન્ટની જે બ્લિંકન સાથે કરશે.
યુક્રેન કટોકટી પર ભારતની સ્થિતિ તેમજ ડિસ્કાઉન્ટેડ રશિયન ઓઇલ ખરીદવાના નિર્ણય અંગે વોશિંગ્ટનમાં કેટલીક અસ્વસ્થતા વચ્ચે આ વર્ચ્યુઅલ મીટિંગ યોજાઇ છે.
યુએસ પ્રમુખે છેલ્લે માર્ચમાં વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન મોદી અને અન્ય ક્વાડ નેતાઓ સાથે વાત કરી હતી. તેના ક્વાડ પાર્ટનર દેશોથી વિપરીત, ભારતે હજુ સુધી યુક્રેન પરના રશિયન આક્રમણની નિંદા કરી નથી અને તે રશિયન આક્રમણ પર યુએન પ્લેટફોર્મ પરના મતથી દૂર રહ્યું છે. ભારત યુક્રેનમાં તાત્કાલિક હિંસા બંધ કરવા માટે દબાણ કરી રહ્યું છે અને મુત્સદ્દીગીરી અને વાતચીત દ્વારા કટોકટીના ઉકેલની માંગ કરી રહ્યું છે.
શ્રી મોદીએ 24 ફેબ્રુઆરી, 2 માર્ચ અને 7 માર્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે પણ બે વાર વાત કરી હતી. 1 એપ્રિલે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ સાથેની બેઠકમાં મોદીએ સંદેશ આપ્યો હતો કે યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવા માટેના શાંતિ પ્રયાસોમાં ભારત કોઈપણ રીતે યોગદાન આપવા તૈયાર છે.
તેમની શરૂઆતની ટિપ્પણીમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે ‘’યુક્રેનની સ્થિતિ ચિંતાનો વિષય છે અને યાદ અપાવી હતી કે ભારતે કેવી રીતે ગયા મહિને યુદ્ધગ્રસ્ત દેશોમાંથી લગભગ 20,000 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. અમે યુક્રેન અને અન્ય પડોશી દેશોને દવાઓ અને અન્ય રાહત સામગ્રી મોકલી છે. યુક્રેનની માંગ પર, અમે ટૂંક સમયમાં દવાઓનો બીજો કન્સાઇનમેન્ટ મોકલી રહ્યા છીએ.”
દરમિયાન, રાષ્ટ્રપતિ જો બાઇડેને જણાવ્યું હતું કે ‘’યુક્રેનમાં રશિયન યુદ્ધની અસ્થિર અસરોનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે યુએસ અને ભારત ગાઢ પરામર્શ ચાલુ રાખશે. હું ભયાનક હુમલો સહન કરતા યુક્રેનના લોકો માટે ભારતના માનવતાવાદી સમર્થનને આવકારવા માંગુ છું. જેમાં ગયા અઠવાડિયે એક ટ્રેન સ્ટેશન પર થયેલા દુ:ખદ તોપમારામાં હિંસામાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા ડઝનેક નિર્દોષ બાળકો અને મહિલાઓના મોત થયા હતા.”
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જણાવ્યું હતું કે ‘’સમગ્ર ઈન્ડો-પેસિફિકમાં સમૃદ્ધિ, સુરક્ષા અને કાયદાના શાસનને પ્રોત્સાહિત કરતી વખતે વિકાસ સહાય, રોગચાળા પછીની આર્થિક રીકવરી અને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સંકલન આગળ વધારવા માટે યુએસ ભારત અને ક્વાડ ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.’’
બંને નેતાઓએ સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે ગાઢ સહયોગ માટેના માર્ગો પર ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે ભારત અને યુએસની કંપનીઓ વચ્ચે સહ-વિકાસ, સહ-ઉત્પાદનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને જાળવણી માટે યુએસ કંપનીઓને ભારતમાં આમંત્રણ આપ્યું હતું.
રાજનાથ સિંહ અને ઓસ્ટિને બન્ને દેશોના લશ્કરી જોડાણો, માહિતીના આદાન-પ્રદાન, ઉન્નત લોજિસ્ટિક્સ સહકાર અને સુસંગત સંચાર વ્યવસ્થા હેઠળ નજીકથી સહયોગ કરવા માટે સશસ્ત્ર દળોની ક્ષમતાની સમીક્ષા કરી હતી. આ સંદર્ભમાં, ખાસ ઓપરેશન ફોર્સના ગાઢ સહકારની બાબત સામે આવી હતી.
એક અમેરિકી અધિકારીએ જણાવ્યું કે બાઇડેન અને પીએમ મોદીએ દક્ષિણ એશિયાની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી હતી અને યુક્રેન બાબતે ભારત પોતાના નિર્ણયો લેશે. ભારતને રશિયા અને ચીન વચ્ચેના ચુસ્ત સંબંધો અંગે પણ ચિંતા છે.
બાઇડેન અને મોદીએ રશિયા પાસેથી ભારતની ઉર્જા ખરીદી સહિત યુક્રેનના મુદ્દાઓ પર નિખાલસ વાતચીત કરી હતી.
ભારતના ફોરેન મિનિસ્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ‘’દિવસની શરૂઆત યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે બ્રેકફાસ્ટ મીટિંગ દ્વારા થઇ હતી. જેમાં વૈશ્વિક પરિસ્થિતિ, પ્રાદેશિક હોટસ્પોટ્સ દ્વિપક્ષીય સહકાર પર વ્યાપક શ્રેણીના મંતવ્યોનું આદાનપ્રદાન કરાયું હતું.’’
દરમિયાન અમેરિકી સંરક્ષણ સચિવ ઓસ્ટિને કહ્યું હતું કે ‘ભારત સાથે એકીકૃત રીતે કામ કરવા માટે યુએસ પ્રતિબદ્ધ છે.’’