અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટેલિફોન પર વાતચીત કરીને કોરોના મહામારીને મહાત આપવાની, વૈશ્વિક અર્થતંત્રના નવસર્જનની અને વૈશ્વિક ત્રાસવાદ સામે સંયુક્ત લડાઈ લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગને નવા સ્તરે લઈ જવાનો મહત્ત્વકાંક્ષી એજન્ડા નિર્ધારિત કર્યો હતો.
બાઇડન અમેરિકાના 46માં પ્રેસિડન્ટ બન્યાં બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું હતું કે તેમણે અમેરીકાના પ્રેસિડન્ટને શુભકામના આપી હતી અને બંન્નેએ પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બાઇડન અને મોદી વચ્ચે વાતચીત બાદ વ્હાઈટ હાઉસ તરફથી નિવેદન જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે ક્લાઈમેટ ચેન્જ, કોરોના સામે સાથે મળીને લડવાનાસ, અર્થતંત્ર, આતંકવાદ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓ નેવિગેશન અને ક્ષેત્રિય અખંડિતતાને સમર્થન સહિત મુક્ત અને ઓપન ઇન્ડો પેસિફિક સંબંધોને પ્રોત્સાહન આપવા સહમત થયા હતા.
20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા બાદ બાઇડનને નવ દેશોના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી છે. પરંપરાગત રીતે અમેરિકાના નવા પ્રેસિડન્ટ સૌ પ્રથમ પડોશી દેશો કેનેડા અને મેક્સિકોના નેતાઓને ફોનકોલ કરે છે.
આ પછી બાઇડને બ્રિટન, ફ્રાન્સ, જર્મની, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત અમેરિકાના સહયોગી દેશોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે રશિયાના પ્રેસિડન્ટ વ્હાદિમીર પુટિન સાથે પણ ફોન પર વાત કરી હતી.
પડોશી દેશો અને નાટોના મહત્ત્વના સાથી દેશો સિવાય કોઇ નેતા સાથે વાતચીત થઈ હોય તેવા મોદી પ્રથમ વિદેશી નેતા છે. આ બાબત દર્શાવે છે કે બાઇડન વહીવટીતંત્ર ભારત સાથે સંબંધોને વિશેષ મહત્ત્વ આપે છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટે વિશ્વભરમાં લોકશાહી સંસ્થાઓ અને મૂલ્યોની જાળવણી કરવાની બાબત પર ભાર મૂક્યો હતો તથા ભારત અને અમેરિકાના સંબંધો માટે સહિયારા લોકશાહી મૂલ્યો પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓ મ્યાનમારમાં કાયદાના શાસન અને લોકતાંત્રિક પ્રક્રિયાને જાળવી રાખવાનો પણ નિશ્ચય કર્યો હતો.
નેવિગેશનની સ્વતંત્રતા, ક્ષેત્રિય અખંડિતતા માટે સમર્થન સહિત મુક્ત અને ખુલ્લા ઇન્ડો પેસિફિક સંબંધોને પ્રોત્સાહન આપવાની વાત આ વિસ્તારમાં ચીનના આક્રમક વલણનો સ્પષ્ટ સંકેત આપે છે.
અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર તરણજિત સિંઘે જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે ઉષ્માપૂર્ણ વાતાવરણમાં વ્યાપક મુદ્દા અંગે વાતચીત થઈ હતી. અમે સહકારનો મહત્ત્વકાંક્ષી એજન્ડા ધરાવીએ છીએ અને આગામી દિવસોમાં સક્રિય સામેલગીરી જોવા મળશે.