‘ગુજરાતીઝ ઇન યુકે’ સંસ્થા દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસના શાનદાર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમેરિકા, આફ્રિકા, સિંગાપોર, ભારત, યુકે અને વિશ્વના અન્ય દેશોમાંથી લોકો ઉત્સાહભેર જોડાયા હતા.
ભારતમાં તેમની નિસ્વાર્થ અને પ્રસંશનીય સેવા અને વધુ સારા વિશ્વ માટે તેમની પ્રતિબદ્ધતાને વધાવવા અને જન્મ દિવસની શુભેચ્છા આપવા ઓનલાઇન પ્લેટફોર્મ ઝૂમ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કાર્યક્રમનો પ્રારંભ થયાની થોડીક જ મિનિટોમાં 750 લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંગીત, પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતો, મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ અને વિડિઓઝ પ્રસ્તુતિનો સમાવેશ કરાયો હતો. ખૂબ જ ઉત્સુક કેટલાક સિનિયર ગુજરાતીઓ ટેકનોલોજીની તકલીફ હોવા છતાં પણ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમના પ્રસ્તુતકર્તા નીલમ પટેલે ગીતો અને ગરબા ગાતા લોકો તેમાં જોડાયા પણ હતા.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ વિડીયો સંદેશમાં પીએમ મોદીના જન્મદિવસે ભારતની ભાવનાને આગળ વધારવાની તક આપવા બદલ આયોજકોનો આભાર માન્યો હતો. તેમણે જન્મ દિને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ ભારતના વિકાસને અને ભારતને વિશ્વના મંચ પર આગળ વધારવા માટે ઘણું કર્યું છે.
નહેરુ સેન્ટરના ડાયરેક્ટર અમરીશ ત્રિપાઠી, નેશનલ એસોસિઅશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણભાઇ અમીન, મહેન્દ્રસિંહ સી જાડેજા, અનિતા રૂપારેલીયા અને લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના યાતિન દાવડા, ભાદરણ બંધુ સમાજના બિમલ પટેલ, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના લાલુભાઇ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
ગીતા ફાઉન્ડેશનના શરદભાઇ પરીખે મોદીજીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી. વિજય રાણાએ ટેમ્પ્લસ ઑફ કાશીનો વીડિયો રજૂ કરી તેમના મતદાર ક્ષેત્રની માહિતી આપી હતી. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનીત શ્રીમતી વર્ષાબેને નરેન્દ્રભાઇને ભાવનાત્મક શુભેચ્છા આપી હતી. જૈન સાધુ ડૉ. આચાર્ય લોકેશ મુનિએ તેમનો આશાવાદનો સંદેશો આપી રોગચાળા વખતે સંયમ સાથે સંઘર્ષ ચાલુ રાખવા અપીલ કરી હતી.
સમાપન ગીતો અને રાષ્ટ્રગીતમાં સૌ જોડાયા હતા.