ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બાંગ્લાદેશની બે દિવસના પ્રવાસે ગયા હતા. મોદીને આવકારવા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા એરપોર્ટ પર આવ્યા હતા. બાંગ્લાદેશની સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થતા તેમજ સ્થાપક શેખ મુજીબુર રહમાનની 100મી જયંતિ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા મોદી પહોંચ્યા હતા. કોરોના કાળ પછી આ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
બાંગ્લાદેશની આઝાદીના 50 વર્ષની ઉજવણી માટે ઢાકાના નેશનલ પરેડ સ્ક્વેયરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અથિતિ બનેલા મોદીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આઝાદી માટે ભારતમાં આંદોલન થયું હતું. તેમાં સામેલ થવું મારા જીવનનું પહેલું આંદોલન હતું. બાંગ્લાદેશની આઝાદીમાં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીજીનું યોગદાન નિર્વિવાદિત છે. મારી ઉંમર તે સમયે 20-22 વર્ષની હશે જ્યારે મારા કેટલાક સાથી મિત્રોએ બાંગ્લાદેશના લોકોની આઝાદી માટે સત્યાગ્રહ કર્યો હતો. આઝાદીના સમર્થનમાં મે પણ ધરપકડ આપી હતી અને જેલ પણ ગયો હતો.