અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત લીજન ઓફ મેરિટ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો કરવા માટે તથા વૈશ્વિક સત્તા તરીકે ભારતના ઉદભવ બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
છેલ્લા 4 વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીત સંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી લીઝન ઑફ મેરિટ એવોર્ડ સ્વીકાર્યો હતો. અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.
લીઝન ઑફ મેરિટ એવોર્ડ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંનો એક છે. લીજન ઓફ મેરિટ એવોર્ડ અમેરિકી લશ્કરના ઓફિસર, અમેરિકા માટે મોટું યોગદાન આપનારા અને વિશ્વના દેશના રાષ્ટ્રાધ્યક્ષને આપવામાં આવે છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા ભારત સાથે સંબંધ મજબૂત કરવા પર જોર આપ્યુ છે. આ દરમિયાન આ બંનેની મિત્રતા પણ ઘણી ચર્ચામાં રહી હતી અમેરિકામાં આયોજિત થયેલો હાઉડી મોદી કાર્યક્રમ અને ભારતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ તેનો પુરાવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આના પહેલા રશિયા, સાઉદી અરબ, યુએઈ, પેલેસ્ટાઇન અને માલદીવ સહિત કેટલાક અન્ય દેશોનું સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યું છે.