આણંદમાં, ગુરુવાર, 2મે, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીસભા દરમિયાન ભાજપના સમર્થકો (PTI Photo)

ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. ગુરુવારે મોદીએ આણંદમાં ચૂંટણી સભા યોજી હતી.

આણંદ અને ખેડા લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં મેગા ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની અનામત મુસ્લિમોને આપવા માટે ભારતના બંધારણમાં ફેરફાર કરવા માગે છે. પાકિસ્તાન રડી રહ્યું છે, કારણ કે અહીં કોંગ્રેસ મરી રહી છે. તમે બધાએ જાણ્યું જ હશે કે પાકિસ્તાની નેતાઓ હવે કોંગ્રેસ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પાકિસ્તાન ‘શહજાદા’ (રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરીને) આગામી વડાપ્રધાન બનાવવા આતુર છે. આ આશ્ચર્યજનક નથી. કારણ કે આપણે પહેલાથી જ જાણીએ છીએ કે કોંગ્રેસ પાકિસ્તાનની ‘મુરીદ’ (શિષ્ય) છે.પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની ભાગીદારી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી ગઈ છે.

મોદીએ જણાવ્યું હતું કે “જે દેશ ભૂતકાળમાં આતંકની નિકાસ કરતો હતો, તે હવે ‘આટા’ (લોટ) આયાત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જે હાથ બોમ્બ રાખતા હતા તેઓ હવે ‘ભીખ કા કટોરા’ લઈને ફરે છે. વિશ્વભરના લોકો હવે કહી રહ્યા છે કે ભારત વૈશ્વિક સ્તરે ચમકતો તારો છે. ભારતને ‘વિશ્વ બંધુ’ તરીકે જોવામાં આવે છે.

વિપક્ષી નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના ‘વોટ જેહાદ’ના આહ્વાનના મુદ્દે પણ મોદીએ કોંગ્રેસ પર પર આકરા પ્રહારો કર્યા હતાં. સમાજવાદી પાર્ટી (SP)ના નેતા આલમે ઉત્તર પ્રદેશની ફરુખાબાદ લોકસભા સીટ પરથી ઈન્ડિયા બ્લોકના ઉમેદવારની તરફેણમાં “વોટ જેહાદ” માટે હાકલ કરી હતી. હવે INDI એલાયન્સ વોટ જેહાદની હાકલ કરે છે. આ નવું છે, કારણ કે આપણે અત્યાર સુધી ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ વિશે સાંભળ્યું છે. આ મદરેસામાં ભણેલા નહીં, પરંતુ એક શિક્ષિત મુસ્લિમ પરિવારના વ્યક્તિએ કહ્યું છે. આવા નિવેદનો સાબિત કરે છે કે INDI જોડાણના ઇરાદા “ખતરનાક” છે.

આણંદની ચૂંટણીસભામાં મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવી એ દેશના પ્રથમ ગૃહપ્રધાનને સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે.

LEAVE A REPLY