વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતના બીજા દિવસે 10 ઓક્ટોબરે ભરુચ અને આણંદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું અને બંને શહેરોમાં જનસભા સંબોધી હતી. મોદીએ અમદાવાદમાં એક શિક્ષણ સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આણંદમાં મોદીએ જાહેર સભા સંબોધતા કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ગામેગામ ફરીને ખાટલા બેઠકો કરી રહી છે, દરેક ચીજોનો જુદો અર્થ કરી લોકોને સમજાવી રહી છે. 20 વર્ષથી કોંગ્રેસથી કંઈ ના થઈ શક્યું એટલે હવે તેમણે નવું શરુ કર્યું છે, અને એટલે જ સતર્ક રહેવાની જરુર છે. કોંગ્રેસવાળા બોલતા નથી, પરંતુ ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે. પોતાની જૂની ચાલાકીઓનો ભરપૂર ઉપયોગ તેઓ બોલ્યા-ચાલ્યા વિના કરી રહ્યા છે.
ભાજપના કાર્યકરોને મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સભા ના કરે, પ્રેસ કોન્ફરન્સ ના કરે, ભાષણ ના કરે તો તેનાથી કોઈ ભ્રમમાં ના રહેશો. આ કોંગ્રેસની નવી ચાલ છે, અને તે બેઠી તાકાતથી નીચે ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસને એક રાજકીય પક્ષ તરીકે જે કરવું હોય તે કરે, પરંતુ આપણે સતર્ક રહેવાની જરુર છે. કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઈ મોકો નથી છોડતી
જવાહર લાલ નહેરુનું નામ લીધા વિના મોદીએ કહ્યું હતું કે, દેશના એકીકરણનું કામ સરદાર વલ્લભભાઈએ કર્યું પરંતુ એક કાશ્મીર બીજા એક ભાઈએ માથે લીધું…’ પરંતુ સરદાર સાહેબના પદચિન્હો પર ચાલતા પોતે કાશ્મીરની સમસ્યા પૂરી કરી અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી દીધી હતી.
કોંગ્રેસ શાસનનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું હતું કે તે સમય કેટલો કપરો હતો તે આજની પેઢીને ખબર પણ નહીં હોય. પરંતુ આજે સ્થિતિ બદલાઈ છે. રાત-રાત સુધી દીકરીઓ બહાર ફરી શકે છે, પરંતુ આ વાત ગુજરાતમાં ના સમજાય.. બહાર જઈએ ત્યારે ખબર પડે કે લોકો કેવી મુસીબતમાં જીવે છે.
‘અર્બન નક્સલ’નો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે તેમના લીધે સરદાર સરોવરની આડે રોડા નાખ્યા, ગુજરાતના 40-50 વર્ષ બરબાદ કરી નાખ્યા કોર્ટમાં કેસો લડાયા ત્યારે માંડ સરદાર સરોવર ડેમ પૂરો થયો. કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે દુનિયાનું સૌથી ઉંચું સ્ટેચ્યુ ગુજરાતમાં છે, પરંતુ કોઈ કોંગ્રેસી ત્યાં નથી ગયો. સરદારને ગયે દાયકાઓ ગુજરી ગયા પરંતુ કોંગ્રેસ તેમના ચરણોમાં માથું નહીં ઝૂકાવે.