વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઝાદી પછી દેશના સૌથી સફળ વહીવટકર્તા ગણાવીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી ગરીબી નાબૂદી, આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના સંદર્ભમાં દેશને એક અલગ પ્રગતિપંથ પર લઈ આવ્યાં છે.
“લોકશાહીના અમલીકરણઃ સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદીના બે દાયકા” અંગેના પરિસંવાદમાં સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે મોદી કોઇપણ વહીવટી અનુભવ વગર બે દાયકા પહેલા ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા અને તે સમયની કપરી સ્થિતિનો સામનો કરીને પોતાને સફળ વહીવટકર્તા સાબિત કર્યા હતા. 2014માં મનમોહન સિંહ સરકાર હતી ત્યારે સર્વત્ર નીતિવિષયક નિષ્ક્રીયતા હતી અને કેબિનેટના દરેક સભ્ય પોતાને વડાપ્રધાન માનતા હતા, જયારે વડાપ્રધાન પોતાને વડાપ્રધાન માનતા ન હતા. તે સમયે કોઇ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ ન હતી. ભારતે તેનું સન્માન ગુમાવ્યું હતું. આશરે રૂ.12 લાખ કરોડના કૌભાંડ થયા હતા અને એવી છાપ ઊભી થઈ હતી કે ભારતની લોકશાહીનું પતન થશે.
અમિત શાહે જણાવ્યું હતું કે આવી સ્થિતિ મોદી 2014માં સત્તા પર આવ્યા હતા. તેનાથી લોકો માનવા લાગ્યાં હતા કે હવે સ્થિતિમાં સુધારો થશે. ભારતની સમસ્યાઓ માત્ર વહીવટી કે આર્થિક વિકાસની ન હતી, પરંતુ તેનું પણ સન્માન પણ ગુમાવ્યું હતું. દેશની સંસ્કૃતિની જાળવણી થવી જોઇએ અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. આ માટે અલગ અભિગમની જરૂર હતી, જે માત્ર લોકપ્રિય નેતા અપનાવી શકે છે.