વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 20 એપ્રિલે દાહોદ જિલ્લાના ખરોડમાં આદિવાસી મહાસંમેલનમાં હાજરી આપી હતી. વડાપ્રધાન દાહોદ પહોંચતાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
આદિવાસી મહાસંમેલનમાં વડાપ્રધાને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, મેં આદિવાસીઓનું જીવન નજીકથી જોયું છે. ઉમરગામથી અંબાજીનો આદિવાસી વિસ્તાર મારું કાર્યક્ષેત્ર હતું. અહીં મેં બહું સમય વિતાવ્યો છે. આદિવાસી ભાઈઓ બહેનોએ મને ઘણું શીખવ્યું છે. આદિવાસી પરિવર્તન લાવે એટલે બધાએ લાવવું જ પડે.પાણીદાર લોકોની પાણી દ્વારા સેવા કરવાનો મને મોકો મળવાનો છે.
દાહોદમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જણાવ્યું હતું કે, દાહોદ હવે મેક ઈન્ડિયાનું મહત્વનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.વડાપ્રધાને બિરસા મુંડા, ગોવિંદ ગુરુ, દેવગઢબારીયા, માનગઢના જંગને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓનો કોઈ વિસ્તાર એવો ન હતો કે જેમાં આદિવાસીઓ તીરકામઠા લઈને અંગ્રેજો સામે પડ્યા ન હોય.
વિવિધ પ્રોજેક્ટ્સ અંગે તેમણે જણાવ્યું હતું કે એક યોજના દાહોદને સ્માર્ટ સિટી બનાવવાની જ્યારે બીજી પીવાના પાણી સાથે સંકળાયેલી છે. પીવાના પાણીની યોજનાથી દાહોદની માતા-બહેનોનું જીવન ઘણું સરળ બની જશે. દાહોદ હવે મેક ઈન ઈન્ડિયાનું પણ મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. દાહોદમાં અંગ્રેજોના કાળ દરમિયાન રેલવેના સ્ટીમ એન્જિન બનાવતું કારખાનું હવે ઈલેક્ટ્રીક એન્જિન બનાવશે. .ભારતીય રેલવેના આ કારખાનાથી હજારો યુવાનોને રોજગાર મળશે.હવે રેલવે આધુનિક બની રહી છે. માલગાડીઓ માટે અલગ ટ્રેક બની રહ્યા છે. જેના કારણે એન્જિનની માગ વધશે, જે ડિમાન્ડ દાહોદમાં સ્થપાનારું કારખાનું પૂરી કરશે. અહીંના એન્જિન માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાભરમાં નિકાસ થશે. અહીં 9,000 હોર્સપાવરના એન્જિન બનશે, અને એક નવું જ દાહોદ સર્જાશે. હવે તો એવું લાગે છે કે દાહોદ હવે વડોદરાની સ્પર્ધા કરવા સજ્જ બની રહ્યું છે.