ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 20 ઓક્ટોબરે રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં લોકડાઉનનો અંત આવ્યો છે, પરંતુ વાઇરસ હજુ ગયો નથી. વેકિસન ન આવે ત્યાં સુધી કોરોના સામેની લડાઈને હળવાશથી લઈ શકાય નહીં. મોદીએ ઉત્સવોની હાલની સિઝનમાં નાગરિકોને કોરોના સામેની લડાઈ માટે સાવચેતીના તમામ પગલાંનું પાલન કરવાનો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. મોદીનું કોરોના મહામારી પછીનું આ સાતમું રાષ્ટ્રજોગ સંબોધન હતું.
મોદીએ જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન આવે ત્યારે તે દરેક નાગરિક સુધી પહોંચે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. ભારતનો કોરોના રીકવરી રેટ હાલમાં સારો હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મૃત્યુદર નીચો છે. ભારતમાં દરેક દસ લાખ પૈકી 5,500 લોકોને કોરોના થયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં આ આંકડો 25,000 છે. ભારતમાં 10 લાખ દીઠ મૃત્યુ દર 83 છે. અમેરિકા, બ્રાઝિલ, સ્પેન, બ્રિટન જેવા દેશોમાં આ આંકડો 600થી વધુ છે. વિશ્વના સક્ષમ દેશોની તુલનાએ ભારત તેના વધુ નાગરિકોનું જીવન બચાવવામાં સફળ રહ્યું છે.
કોરોનાની સારવાર માટેની દેશની સજ્જતા અંગે મોદીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દીઓ માટે 90 લાખથી વધારે બેડની સુવિધા ઉપલબ્ધ છે. 12 હજાર ક્વોરન્ટાઈન સેન્ટર છે. કોરોના ટેસ્ટિંગ પણ આશરે 2000 લેબ કામ કરે છે. કોરોના ટેસ્ટની સંખ્યા ટૂંક સમયમાં 10 કરોડનો આંકડો વટાવી જશે. કોવિડ મહામારી સામે ટેસ્ટની વધતી સંખ્યા આપણા માટે મોટી શક્તિ રહી છે.
મોદીએ જણાવ્યું હતું કે અમેરિકા કે હોય કે યુરોપના બીજા દેશો, અત્યારે કોરોના કેસોમાં ફરી અચાનક વધારો થવા લાગ્યો છે. તહેવારના દિવસોમાં બજારમાં ધીમે ધીમે રોનક આવી રહી છે, લોકડાઉન ભલે સમાપ્ત થઈ ગયું પણ કોરોના ગયો નથી.
કોરોનાની મહામારી પછી મોદીએ 19 માર્ચ રાષ્ટ્રજોગ પ્રવચનમાં જનતા કર્ફ્યુની જાહેરાતની અને 24 માર્ચના સંબોધનમાં સમગ્ર દેશમાં 21 દિવસના પહેલા લોકડાઉનની જાહેરાત કરી હતી. 3 એપ્રિલે કરેલા સંબોધનમાં દીવો પ્રગટાવવાની અપીલ કરી હતી અને 14 એપ્રિલના સંબોધનમાં દેશમાં લોકડાઉન-2ની જાહેરાત કરી હતી.