ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 22 ઓક્ટોબરે કરેલે રાષ્ટ્રજોગ સંબોધનમાં 21 ઓક્ટોબર, 2021ના રોજ ભારતે કોરોના વેક્સિનના 1 બિલિયન ડોઝ આપવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો તે અંગે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને આ ઉપલબ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્યશક્તિને શ્રેય આપ્યો હતો. આ સફળતા ભારતની સફળતા છે અને દરેક દેશવાસીની સફળતા છે, 1 બિલિયન વેક્સિન ડોઝ એ એક આંકડો નહીં પણ નવા અધ્યાયની શરૂઆત છે તેમ કહ્યું હતું. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 10મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે ભારતનો સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ વિજ્ઞાનના ખોળામાં જન્મ્યો છે, વૈજ્ઞાનિક આધારો પર વિકસ્યો છે અને વૈજ્ઞાનિક રીતે ચારેય દિશાઓમાં પહોંચ્યો છે. સાથે જ ભારતનો સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ સાયન્સ બોર્ન, સાયન્સ ડ્રિવન અને સાયન્સ બેઝ્ડ છે તે દેશવાસીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે તેમ કહ્યું હતું.
તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને સાવધ રહેવાનો અનુરોધ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ ગમે તેટલા ઉત્તમ હોય, આધુનિક હોય, સુરક્ષાની સંપૂર્ણ ગેરન્ટી આપતા હોય પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી હથિયાર ફેંકી ન દેવાય. તહેવારો દરમિયાન સતર્ક રહો, માસ્કને આદત બનાવી લો.
સવારે 10 વાગ્યે પીએમ મોદીએ પોતાના સંબોધનની શરુઆથ વૈદિક વાક્યથી કરતા કહ્યું કે ‘कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः ।’ જો આપણે આને ભારતના સંદર્ભમાં જોઈએ તો તેનો સીધો અર્થ એ છે કે આપણા દેશે એક તરફ ફરજ બજાવી અને બીજી તરફ તેને મોટી સફળતા મળી છે.
તેમણે વધુમાં આગળ કહ્યું કે 100 કરોડ રસી ડોઝ માત્ર એક આંકડો નથી. આ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. ઈતિહાસમાં એક નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ એક નવા ભારતનું ચિત્ર છે જે જાણે છે કે કેવી રીતે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે તેના સંકલ્પોની પરિપૂર્ણતા માટે સખત મહેનતની પરાકાષ્ઠા છે.
ભારતના અર્થતંત્ર અંગે વિશ્વાસ દર્શાવતા વડાપ્રધાને કહ્યું કે, નિષ્ણાંતો અને દેશ વિદેશની અનેક એજન્સી ભારતીય અર્થતંત્રને લઈ ખૂબ જ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં માત્ર રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ જ નથી આવી રહ્યું પરંતુ યુવાનો માટે રોજગારીના નવા અવસરો પણ બની રહ્યા છે. જે રીતે સ્વચ્છ ભારત અભિયાન એક જનઆંદોલન છે એવી જ રીતે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવા, વોકલ ફોર લોકલ બનવું તેને વ્યવહારમાં લાવવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક નાનામાં નાની વસ્તુ જે મેડ ઈન ઈન્ડિયા હોય, જેને બનાવવા પાછળ કોઈ ભારતવાસીનો પરસેવો વહ્યો હોય તેને ખરીદવા માટે જોર આપવું જોઈએ.