વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઇએ ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશન સહિત 8 વિકાસલક્ષી પ્રોજેક્સનું લોકાર્પણ કરશે. મોદી નવી દિલ્હીથી વર્ચુઅલી ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશન ઉપરાંત રેલવે સ્ટેશનની ઉપર જ બનેલી ફાઈવ સ્ટાર હોટલ, મહત્મા મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રોજેક્ટ્સ, નવી ટ્રેનનો પ્રારંભ કરાવશે.
અમદાવાદ ખાતેની સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા ત્રણ પ્રોજેક્ટ્સમાં રૂ.264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ.127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ.14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનો સમાવેશ થાય છે.
મોદી ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ લીલાઝંડી આપીને શુભારંભ કરાવશે. મોદીના હસ્તે સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિમી રેલવે ઈલેક્ટ્રિફિકેશન કામગીરીનો પ્રારંભ કરાવાશે.
‘ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન’માં 3 પ્લેટફોર્મ્સનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ પૈકી એક વન -એન્ડ પ્લેટફોર્મ, જયારે અન્ય આઈલેન્ડ પ્લેફોર્મ છે. આ સ્ટેશન ખાતે 2 એસ્કેલેટર્સ, 3 એલિવેટર્સ અને 2 પેડેસ્ટ્રીયન (રાહદારી) સબ-વે છે, જે પ્લેટફોર્મ્સને જોડે છે. આ ઉપરાંત, અલગ અલગ સ્થળે આશરે 300 વ્યક્તિઓ માટેનું પ્રતીક્ષા સ્થળ, સેન્ટ્રલી એર-કન્ડીશન્ડ મલ્ટિપર્પસ હોલ, બેબી ફીડિંગ રૂમ, પ્રાર્થના ખંડ તથા પ્રાથમિક સારવારનો ખંડ, ઑડિયો-વિડીયો, LED સ્ક્રીન સાથે આર્ટ ગેલેરી માટેનો ડિસ્પ્લે એરિયા તથા 105 મીટર લાબું કોલમ વગરનું એલ્યુમિનમની છત ધરાવતું સ્ટેશન છે.