વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 5 જૂને દિલ્હીમાં ઇશા ફાઉન્ડેશનના ‘સેવ સોઇલ’ કાર્યક્રમમાં ભાગ લેતા જણાવ્યું હતું કે કે પર્યાવરણનું જતન કરવા માટે ભારતના પ્રયાસ બહુઆયામી એટલે કે અનેકમાર્ગી રહ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જમાં ભારતની ભૂમિકા નગણ્ય છે તેવા સંજોગોમાં ભારત આ પ્રયાસ કરી રહ્યું છે. વિશ્વના વિકસિત દેશો પૃથ્વીના સંસાધનો-સ્રોતનો મહત્તમ ઉપભોગ કરી રહ્યા છે અને સૌથી વધુ પણ તેઓ જ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.
વડાપ્રધાને કહ્યું કે આ વર્ષે બજેટમાં અમે નક્કી કર્યું છે કે ગંગા નદીના કિનારે વસેલા ગામોમાં નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપીશું, નેચરલ ફાર્મિંગનો વિશાળ કોરિડોર બનાવીશું. તેનાથી આપણા ખેતરો કેમિકલમુક્ત થશે જ, તે સાથે નમામિ ગંગે અભિયાનને પણ બળ મળશે.
નરેન્દ્ર મોદીએ રવિવારે ‘લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્મેન્ટ (LiFE) મૂવમેન્ટ’ નામથી વૈશ્વિક પહેલ શરૂ કરી છે અને ભારપૂર્વક કહ્યું છે કે એવી જીવનશૈલી અપનાવવી પડશે જે પૃથ્વીનું જતન કરે અને તેને નુકસાન ન કરે. તેમણે પર્યાવરણને વધુ સારું બનાવવા માટે ‘એક પૃથ્વી, અનેક પ્રયાસ’ની વડાપ્રધાનની અપીલ કરી હતી.