વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાતે લીધી હતી. મોદી ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાને મળ્યા હતા. બંને નેતાઓએ મહામાયા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
મોદીએ માયા દેવી મંદિરમાં પુષ્કર્ણી તળાવની પરિક્રમા કરી હતી. તેમણે પવિત્ર બોધિ વૃક્ષની પૂજા પણ કરી હતી. આ પ્રવાસે આવેલા વડાપ્રધાન લુમ્બિની મઠ વિસ્તારમાં બૌદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે કેન્દ્રના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહમાં પણ ભાગ લીધો હતો. નેપાળના વડાપ્રધાન દેઉબાના આમંત્રણ પર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર લુમ્બિનીની એક દિવસીય મુલાકાતે ગયા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીની નેપાળની આ પાંચમી યાત્રા છે.