વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા જ સ્પષ્ટ છે કે તેઓ ત્રાસવાદ અને ખાસ કરીને સીમા પારથી ફેલાતા ત્રાસવાદને સહન કરશે નહીં અને આ દ્રઢ સંકલ્પને આધારે 2014 પછીથી પાકિસ્તાન માટેની ભારતની નીતિને આકાર આપવામાં આવ્યો છે, એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું છે.
‘મોદી@20: ડ્રીમ્સ મીટ ડિલિવરી’ નામના પુસ્તકમાં જયશંકરે વિદેશ સચિવ બન્યા બાદ 2015માં સાર્ક યાત્રા પર જતાં પહેલા મોદીએ આપેલી સૂચનાને યાદ કરતાં લખ્યું છે કે પીએમએ મને કહ્યું હતું કે તેમને મારા અનુભવ અને નિર્ણયમાં પૂરો વિશ્વાસ છે, પરંતુ હું ઇસ્લામાબાદ પહોંચું ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે તેઓ (મોદી) તેમના પુરોગામી કરતાં અલગ છે અને ક્યારેય ત્રાસવાદને સહન કરશે નહીં કે તેની અવગણના કરશે નહીં. આ મુદ્દે કોઇ ગૂંચવળ હોવી જોઇએ નહીં.
ચીન સાથેના સીમા વિવાદ અંગે વિદેશ પ્રધાને જણાવ્યું છે કે મોદીએ જરૂરી ધીરજ દર્શાવી છે અને તેની સાથે-સાથે એકપક્ષીય રીતે વાસ્તવિક અંકુશ રેખા (એલએસી)માં કોઇ ફેરફાર ન થવા દેવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. ચીન સરહદ પર પડકારજનક સ્થિતિઓમાં લશ્કરી દળો તૈનાત કરવાના નિર્ણયમાં નેતૃત્વ અને મનોબળ બંનેનો એકસમાન પુરાવો મળે છે. 2020માં આપણા લશ્કરી દળો દ્વારા અસરકારક પ્રતિસાદ તેની રીતે એક કહાની છે.
જયશંકરે પુસ્તકમાં નોંધ્યું છે કે વિદેશ સચિવ તરીકે અને તે પછી વિદેશ પ્રધાન તરીકે તેમણે 2015માં મ્યાનમાર બોર્ડર પર ઉગ્રવાદી કેન્દ્રોના સફાયા, 2016ની સર્જિકલ સ્ટ્રાઇકલ, 2017માં ડોકલામ મડાગાંઠ, 2020માં લડાખ બોર્ડર પર મક્કમ પ્રતિસાદ જેવી ઘટનાઓમાં કામગીરી કરી છે. આ દરેક ઘટનાઓમાં ભૂમિ પરની જટિલતાની ગાઢ સમજથી ધારદાર બનેલી નિર્ણય કરવાની શૈલીનો પુરાવો મળે છે. પૂરતા વિચારવિમર્શ પછી હેતુઓ સ્પષ્ટ રીતે નક્કી કરાયા હતા અને તેનો અમલ કરવાની જવાબદારી ધરાવતા લોકોને પૂરતી મોકળાશ આપવામાં આવી હતી. સુરક્ષાની સાથે કૂટનીતિના મામલે પણ આવો જ અભિગમ છે.
તેમણે જણાવ્યું છે કે મોદીનો અભિગમ ઘટના અંગે માત્ર પ્રતિક્રિયા આપવાનો નથી અને પ્રથમ વાર ગંભીર અને સર્વગ્રાહી રીતે અસરકારક બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે પ્રયાસ થયા છે. 2014 પછી બજેટ બમણાથી વધુ થયું છે. 2008-14ની સરખામણીમાં 2014-21માં બમણા રોડનું નિર્માણ થયું છે. આ સમયગાળામાં ત્રણ ગણા બ્રિજ બન્યા છે, જ્યારે ટનલ બાંધકામમાં મોટો ઉછાળો આવ્યો છે.
વિદેશ નીતિ પર મોદીના પ્રભાવ અંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાને વ્યક્તિગત રીતે સન્માન પ્રાપ્ત કર્યું છે અને તેનાથી બીજાના અભિગમ પર પ્રભાવ પડે છે. તેમની ભાષા, રૂપકો, દેખાવ, રીતભાત અને સારી ટેવોથી એક વ્યક્તિત્વ બન્યું છે અને વિશ્વમાં તેને ઓળખ મળી છે. 2014માં અમેરિકાના નેતાઓ મોદીના ઉપવાસથી પ્રભાવિત થયા હતા. તેમના યોગા રૂટિનમાં યુરોપના નેતાઓને ઘણો રસ પડ્યો હતો. મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે જોડાલા વ્યક્તિત્વના સંબંધોથી આપણા દેશ અને લોકોના હિતોને આગળ ધપાવવામાં મદદ મળી છે.