યુક્રેન કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ યુક્રેન સામે રશિયાના આક્રમણ અંગે ચર્ચા કરી હતી અને શક્ય હોય તેટલી ઝડપથી યુદ્ધવિરામના મહત્ત્વ પર સંમત થયા હતા. ભારત ખાતેના ફ્રાન્સના દુતાવાસે મોદી-મેક્રો વચ્ચેની વાતચીતના એક દિવસ બાદ આ માહિતી આપી હતી. બંને નેતાઓએ અવરોધમુક્ત માનવતાવાદી સહાય પર ભાર મૂક્યો હતો અને આ કટોકટી અંગે ખાસ કરીને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં ગાઢ સંકલન જાળવી રાખવાની સંમતી આપી હતી. આ મંત્રણામાં યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના કરુણ મોતના મુદ્દાની પણ ચર્ચા થઈ હતી.