પ્રજાસત્તાક દિવસના પ્રસંગે લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુદ્દે રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જોઈને દેશને ઘણું દુઃખ થયું છે. લાલ કિલ્લા પર આંદોલનકારી ખેડૂતોએ પોતાનો ધાર્મિક ઝંડો લહેરાવી દીધો હતો. આ ઝંડો એ જગ્યા લગાવાયો હતો જ્યાં 15મી ઓગસ્ટે વડાપ્રધાન દ્વારા તિરંગો ફરકાવવામાં આવે છે. આ સિવાય આ ઐતિહાસિક ઈમારતમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ શનિવારે સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોથી એક ફોન કોલ દૂર છે. ખેડૂતો અને સરકારની વચ્ચે વાતચીતનો માર્ગ હંમેશા ખુલ્લો છે. તેમણે કહ્યું કે ખેડૂતો અને મારા વચ્ચે માત્ર એક કોલનું જ અંતર છે. સરકાર તરફથી તમામ રાજકીય પક્ષોને આશ્વસ્ત કરવામાં આવ્યા કે બજેટ સત્ર દરમિયાન સરકાર કૃષિ કાયદા સહિત તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.