બ્રિટીશની અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોને મંગળવારે જણાવ્યું હતું કે તે આગામી ત્રણ વર્ષમાં 11,000 નોકરીઓમાં ઘટાડો કરશે. નવા ચીફ એક્ઝિક્યુટિવ માર્ગેરિટા ડેલા વાલે એક “સિમ્પલ” માળખુ બનાવવાની જરૂરિયાત દર્શાવીને જણાવ્યું છે કે નવા નાણાકીય વર્ષમાં કમાણીમાં ઓછી અથવા કોઈ વૃદ્ધિની ન થવાની ધારણા છે.
નવા સીઈઓએ જણાવ્યું હતું કે કોમર્શિયલ ચપળતામાં વધારો અને સંસાધનો મુક્ત કરવા માટે નાનું અને સરળ માળખુ જરૂરી છે.તેમણે જણાવ્યું હતું કે “અમારું પ્રદર્શન પૂરતા પ્રમાણમાં સારું રહ્યું નથી. સતત સફળતા હાંસલ કરવા માટે વોડાફોને બદલાવ લાવવો પડશે.” 11,000 કર્મચારીઓની છટણી તેના વૈશ્વિક કર્મચારીઓના આશરે 10 ટકા થાય છે. ગયા વર્ષે તેના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યા આશરે 104,000 હતી.
માર્ગેરિટા ડેલા વાલે જણાવ્યું હતું કે “મારી પ્રાથમિકતાઓ ગ્રાહકો, સરળતા અને વૃદ્ધિ છે. અમે અમારી સ્પર્ધાત્મકતા પુનઃપ્રાપ્ત કરવા માટે જટિલતાને દૂર કરીને અમારી સંસ્થાને સરળ બનાવીશું. અમારા ગ્રાહકોની અપેક્ષા મુજબની ગુણવત્તાયુક્ત સેવા આપવા માટે સંસાધનોની પુનઃ ફાળવણી કરીશું અને વોડાફોન બિઝનેસની અનોખી સ્થિતિથી વધુ વૃદ્ધિ કરીશું.”