ભારતમાં કોરોના મહામારી વચ્ચે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસના કેસમાં મોટો વધારો થયો છે. દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી જ અત્યાર સુધીમાં મ્યુકરમાઈકોસિસના 8,848 દર્દીઓ નોંધાયા છે અને 235 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર પ્રધાન સદાનંદ ગૌડાએ એમ્ફોટેરિસન-બી ઇન્જેક્શનની વિવિધ રાજ્યોમાં ફાળવણી અંગે શનિવારે કરેલા એક ટ્વીટ પર સંકેત મળે છે કે ગુજરાતમાંથી મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ 2,281 હજાર દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જોકે ગુજરાત સરકારે આ બિમારીના કુલ કેસ કે મોતની સંખ્યા અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.
વિવિધ અહેવાલ મુજબ ગુજરાતમાં બ્લેક ફંગસના 2,281 અને મહારાષ્ટ્રમાં 2,000 કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનમાં 700, મધ્યપ્રદેશમાં 720, દિલ્હીમાં 197, હરિયાણામાં 250, કર્ણાટકમાં 500, તેલંગાણામાં 350 તેમજ આંધ્રપ્રદેશમાં 910 કેસો હોવાનું જણાવાયુ છે. દેશમાં સૌપ્રથમ હરિયાણાએ બ્લેક ફંગસને એપિડેમિક જાહેર કરી હતી. આ પછી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ચંદીગઢ, હિમાચલ, ઓરિસ્સા, કર્ણાટક, તેલંગાણા અને તામિલનાડુમાં પણ મ્યુકરમાઈકોસિસને એપિડેમિક જાહેર કરાઇ છે. ફંગસનો ચેપ વધી જતા કેટલાંક દર્દીઓની આંખ સુધ્ધા કાઢવી પડી છે.