ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી બુધવારે નિવૃતિ જાહેર કરી હતી. 39 વર્ષની મિતાલીએ 8 જૂને ટ્વીટરમાં એક ભાવનાત્મક પોસ્ટ શેર કરતા લખ્યું હતુ કે, મેં ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સીમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ છે. અને 23 વર્ષનો લાંબો સમયગાળો ખાસ રહ્યો છે. આ સફર દરમિયાન કેટલાક ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા હતા. દરેક સફરની જેમ આ સફર પુરો થયો. અને હુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરું છું. મિતાલી રાજે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 232 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 7,805 રન કર્યા છે. તેણે 12 ટેસ્ટ અને 89 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
મિતાલીએ જણાવ્યું હતુ કે, જ્યારે પણ ક્રિકેટના મેદાનમાં ઉતરી છુ ત્યારે મે શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે.અને મારા વ્યકિત્વના ઘડતરમાં ક્રિકેટનો મહત્વનો ફાળો રહ્યો છે. આજે મારા ક્રિકેટના સફરનો અંત થઈ રહ્યો છે. પરંતુ ભવિષ્યમાં પણ હું ક્રિકેટ સાથે સંકળાયેલી રહીશ. મિતાલી રાજ મહિલા ક્રિકેટ ટીમની બેસ્ટ ખેલાડી રહી છે. મિતાલીએ એકદિવસીય ક્રિકેટમાં સૌથી વધુ રનનો રિકોર્ડ પોતાના નામ કર્યો છે. અને મિતાલીએ લાંબા સમય સુધી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યુ છે.
મિતાલી રાજ આ પહેલા ટી-20 ફોર્મેટમાં રાજીનામું આપી ચૂકી છે. 26 જૂન 1999માં આયર્લેન્ડ સામે 16 વર્ષની વયે મિતાલીએ પોતાની વન-ડે કારકિર્દીની શરૂઆત કરી હતી. મિતાલીએ છ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે જે એક રેકોર્ડ છે. તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 10,868 રન નોંધાવ્યા છે. મિતાલી રાજે 1999માં આયર્લેન્ડ સામે પોતાની પ્રથમ વન-ડેમાં 114 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. આ સાથે તે મેન્સ અથવા વિમેન્સ બંનેમાં વન-ડેમાં સૌથી નાની વયે સદી ફટકારનારી બેટર બની હતી.