ડીસેમ્બરની 20મીએ આઈપીએલ 2024 માટે ક્રિકેટર્સના ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને ઐતિહાસિક જેકપોટ લાગ્યો હતો, કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કનો સોદો રેકોર્ડ રૂ. 24.75 કરોડમાં કર્યો હતો. આ સાથે, આઈપીએલના 16 વર્ષના ઈતિહાસમાં સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. સ્ટાર્કની બોલીના લગભગ એકાદ કલાક પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના સુકાની પેટ કમિન્સે રૂ. 20.50 કરોડનો રેકોર્ડ કર્યો હતો, સનરાઈઝર્સ હૈદરાબાદે કમિન્સનો સોદો કર્યો હતો.
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરેલ મિચેલનો સોદો ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. ૧૪ કરોડમાં કર્યો હતો. ભારતીય, ગુજરાતી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ માટે પંજાબ કિંગ્સે રૂ. ૧૧.૭૫ કરોડનો સોદો કર્યો હતો, તો વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટર અલઝારી જોસેફ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ. ૧૧.૫૦ કરોડ ખર્ચ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ઓછા જાણીતા લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સ્પેન્સર જોહ્ન્સન માટે ફ્રેન્ચાઈઝીઓમાં ભારે રસપ્રદ જંગ જામ્યો હતો. સ્પેન્સરની બેઝ પ્રાઈઝ માત્ર રૂ. ૫૦ લાખની હતી, પણ ગુજરાત ટાઈટન્સે તેને રૂ. 10 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો.
આઈપીએલની હરાજીમાં ઓસ્ટ્રેલિયા છવાયેલું રહ્યું હતું – સ્ટાર્ક, કમિન્સ ઉપરાંત ટ્રેવિસ હેડનો સોદો રૂ. ૬.૮૦ કરોડમાં થયો હતો. તો ફાસ્ટ બોલર હેઝલવુડ અને બેટ્સમેન સ્ટિવ સ્મિથ માટે કોઈ લેવાલ નહોતા. ભારતના ક્રિકેટરો કરતા એકંદરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટરોની બોલી ઉંચી લાગી હતી.
ઓક્શનમાં ૧૦ ફ્રેન્ચાઈઝીઓએ ટોપના ૧૦ ખેલાડીઓ માટે કુલ રૂ. ૧૨૩.૭૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.