અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ગળાકાપ સ્પર્ધા ધરાવતા જ્યોર્જિયા અને મિશિગન રાજ્યો માટેના કાનૂની જંગમાં ગુરુવારે પરાજય થયો હતો. જોકે નેવાડામાં કથિત ગેરરીતિ માટે પાર્ટીના સમર્થકોએ કાનૂની જંગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જ્યોર્જિયા કેસમાં ટ્રમ્પના સમર્થકોએ આક્ષેપ કર્યો હતો કે મોડેથી આવેલા 53 બેલેટને સમયસરના બેલેટ સાથે ભેગા કરવામાં આવ્યા હતા. મિશિગનમાં ટ્રમ્પના સમર્થકોએ મતગણતરી અટકાવવાની માગણી કરી હતી. સ્ટેટ જજે ગુરુવારે આ બંને માગણી ફગાવી દીધી હતી.
જ્યોર્જિયામાં સુપરિયર કોર્ટ જજ જેમ્સ બેસે જણાવ્યું હતું કે આ બેલેટ ઇનવેલિડ હોવાના કોઇ પુરાવા નથી. ટ્રમ્પના કેમ્પના પ્રવક્તાએ મિશિગન અને જ્યોર્જિયા ચુકાદા અંગે ટિપ્પણી કરી ન હતી. ટ્રમ્પના સમર્થકોએ એવા પણ આક્ષેપ કર્યો હતો કે નેવાડાના ક્લાર્ક કાઉન્ટીમાં મતદાનમાં ગેરરીતિ થઈ છે. આ કાઉન્ટીમાં લાગ વેગાસનો પણ સમાવેશ થાય છે. આ ત્રણ રાજ્યોમાં મતગણતરી હજુ ચાલુ છે. નેવાડામાં ડેમોક્રેટિક પ્રેસિડન્ટ ઉમેદવાર જો બિડેન સાંકડી સરસાઈ ધરાવે છે, જ્યારે ટ્રમ્પ જ્યોર્જિયામાં સાંકડી સરસાઈ ધરાવે છે. મિશિગનમાં બિડેનના વિજયનો અંદાજ છે.
ગુરુવારે નેવાડાના ભૂતપૂર્વ એટર્ની જનરલ એડમ લેક્સેલ્ટ અને બીજા ટ્રમ્પ સમર્થકોએ લાગ વેગાસમાં ન્યૂઝ કોન્ફરન્સમાં ગેરરીતિના આક્ષેપના સમર્થનમાં કોઇ પુરાવા આપ્યા ન હતા.
તેમણે જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે મૃત વ્યક્તિઓના મતની ગણતરી થઈ છે. કોરોના મહામારી દરમિયાન સ્થળાંતર કરી ગયેલા સેંકડો લોકોના મતની પણ ગણતરી થઈ છે. અયોગ્ય મતની ગણતરી અટકાવવા માટે ફેડરલ કોર્ટમાં અરજી કરવામાં આવશે.
પેન્સિવેનિયામાં ટ્રમ્પ આગળ છે, પરંતુ બિડેન આ સરસાઈમાં ઘટાડો કરી રહ્યા છે. અહીં ટ્રમ્પ કેમ્પેઇન અને બીજા રિપબ્લિકને કોર્ટમાં કેસ દાખલ કરેલા છે. ગુરુવારે પેન્સિવેનિયામાં અપીલ કોર્ટે ફિલાડેલ્ફિયામાં બેલેટ પ્રોસેસિંગની વધુ નિરીક્ષણ કરવાની ટ્રમ્પના સમર્થકોને છૂટ આપી હતી.