ભારતીય મૂળના નીતિન પાસ્સીએ સ્થાપેલી અને ઝડપથી યુકેની સૌથી મોટી ઓનલાઇન ફાસ્ટ-ફેશન કંપનીઓમાં સ્થાન હાંસલ કરનારી ફાસ્ટ-ફેશન રિટેલર મિસગાઇડેડ હવે પતનના આરે છે. સપ્લાય ચેઇનની સમસ્યા, માલ ભાડામાં વધારો તથા હરીફો બૂહુ અને ચીની કંપની શીનની વધતી જતી સ્પર્ધા વચ્ચે મિસાઇડેડના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા છે. કંપનીના લેણદારોએ સમેટી લેવાની પિટિશન ઇશ્યૂ કરી છે. આશરે 330 કર્મચારી ધરાવતી આ રિટેલર ટૂંકસમયમાં વહીવટદારોને હાથમાં આવે તેવી શક્યતા છે. અગાઉ ફાઇનાન્સ કંપની ઓલ્ટેરી ઇન્વેસ્ટર્સે મિસગાઇડેડને ઉગારી લીધી હતી.
તાજેતરના સમયગાળામાં ઓલ્ટેરી પણ આ ફાસ્ટ ફેશન બિઝનેસના વેચાણ માટે પ્રયાસ કરી રહી છે. ઇન્સોવલ્સી સ્પેશ્યાલિસ્ટ ટેનીયો આ બિઝનેસ માટેના વ્યૂહાત્મક વિકલ્પો અંગે ઓલ્ટેરીની એડવાઇઝર છે અને કોઇ વિકલ્પ ન મળે તો તે વહીવટદાર તરીકે કામગીરી કરવા તૈયાર હોવાનું માનવામાં આવે છે.
કોઇપણ ખરીદદાર પ્રિ-પેક એડમિનિસ્ટ્રેશન મારફત ડીલ કરવાનો પ્રયાસ કરે તેવી ધારણા છે, જેનાથી નાદાર કંપની કોઇ બિડરને તેની એસેટ્સનું વેચાણ કરી શકે છે.
મીડિયા રીપોર્ટ મુજબ આ સપ્તાહના પ્રારંભમાં બાકી લેણાની માગણી માટે મિસગાઇડેડના મોન્ચેસ્ટર ખાતેના હેડક્વાર્ટરમાં સપ્લાયર્સ આવ્યા હતા અને તેનાથી પોલીસ બોલાવવી પડી હતી. સપ્લાયર જેએસકે ફેશન્સે 10મેએ કંપની સમેટી લેવાની પિટિશન ઇશ્યૂ કરી હતી. હાલના નિયમો મુજબ જો કંપની બાકી લેણાની ચુકવણીમાં નિષ્ફળ જાય તો લેણદાર (મિસગાઇડેડના કિસ્સામાં સપ્લાયર્સ) કંપનીને બંધ કરવા માટે કોર્ટમાં અરજી કરી શકે છે.
મિસગાઇડેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “તાજેતરના દિવસોમાં કંપનીના કેટલાંક લેણદારો દ્વારા લેવામાં આવી રહેલા પગલાંથી મિસગાઇડેડ માહિતગાર છે અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે તાકીદના ધોરણે કામગીરી કરી રહી છે. આ બિઝનેસ માટે પૂરતા સંશાધનો અને પ્લેટફોર્મ સાથેના ખરીદદારને શોધવાની પ્રક્રિયા એપ્રિલમાં ચાલુ થઈ છે અને અમે આ મુદ્દે થયેલી પ્રગતિ અંગે નજીકના ભવિષ્યમાં અપડેટ આપવાની અપેક્ષા રાખીએ છીએ.”
આ બિઝનેસની સ્થાપના 2009માં નીતિન પાસ્સીએ કરી હતી અને કંપનીએ યુકેના સૌથી મોટી ઓનલાઇન ફાસ્ટ-ફેશન કંપનીઓમાં સ્થાન હાંસલ કર્યું હતું. આ બ્રાન્ડનું પછીથી યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વિસ્તરણ થયું હતું અને હાલમાં 180 કરતાં વધુ દેશોમાં નિકાસ કરે છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિઝનેસ માટે નફો કરવાનું મુશ્કેલ બન્યું હતું અને ડિસેમ્બરમાં ઓલ્ટેરીએ ટર્નએરાઉન્ડ પ્લાનના ભાગરૂપે છટણીની જાહેરાત કરી હતી. નીતિન પાસ્સીએ એપ્રિલમાં ચીફ એક્ઝિક્યુટિવના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
મિસગાઇડેડે સંપૂર્ણપણે ઓનલાઇન રિટેલર તરીકે બિઝનેસ ચાલુ કર્યો હતો અને તે પછી 2016માં પૂર્વ લંડનના વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં મુખ્ય સ્ટોર સાથે કેટલાંક સ્ટોર ખોલ્યા હતા.