એક દુર્લભ અને દુ:ખદ દુર્ઘટનામાં ઇન્ડિયન એરફોર્સના (IAF)ના બે યુદ્ધ વિમાનો શનિવારે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં એક ટ્રેનિંગ મિશન દરમિયાન એકબીજા સાથે અથડાઇને ક્રેશ થયા હતા, તેનાથી એક વિંગ કમાન્ડરનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય બે પાઇલટનો આબાદ બચાવ થયો હતો. બંને યુદ્ધવિમાનોએ ગ્વાલિયર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી.
સંરક્ષણ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રશિયામાં ડિઝાઇન થયેલા સુખોઈ-30MKI જેટ અને ફ્રેન્ચ મિરાજ-2000 આકાશમાં એકબીજા સાથે ટકરાયા હોવાની શક્યતા છે. જોકે IAFએ આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી ન હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મિરાજ વિમાનના મૃતક પાયલોટની ઓળખ વિંગ કમાન્ડર હનુમંત રાવ સારથી તરીકે થઈ હતી. આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે. સુખોઈ વિમાનના બે પાઈલટ બહાર નીકળવામાં સફળ થયા હતા. સિંગલ સીટર જેટ મિરાજ-2000ને હનુમંત રાવ સારથી ઉડાવી રહ્યાં હતા.
એરફોર્સના વડા એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બે વિમાનોના ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળ્યા પછી આ દુર્ઘટનાનું કારણ જાણી શકાશે. બંને વિમાનનો કાટમાળ મોરેના જિલ્લાના પહાડગઢ વિસ્તારમાં પડ્યો હતો. મધ્યપ્રદેશની સીમા નજીક આવેલા રાજસ્થાનના ભરતપુરમાં પણ કેટલોક કાટમાળ પડ્યો હતો.
ઉડ્ડયન નિષ્ણાતના જણાવ્યા અનુસાર હવામાં ટકરાઇને ક્રેશ થયા હોય તેવું આ પ્રથમ મિરાજ 2000 તેમજ પ્રથમ સુખોઈ-30MKI વિમાન હતું. SU-30MKI ટ્વીન-સીટર કોમ્બેટ જેટ છે, જ્યારે ફ્રાન્સની એરોસ્પેસ કંપની ડેસોલ્ટ દ્વારા ઉત્પાદિત મિરાજ 2000 સિંગલ-સીટર એરક્રાફ્ટ છે.