હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વીજને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમણે 15 દિવસ પહેલાં કોરોનાની સ્વદેશી રસી લીધી હતી. આમ છતાં વીજનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા રસી સામે પ્રશ્નો ઊભા થયા છે.
અત્યારે અંબાલા કેન્ટની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અનિલ વીજે ટ્વીટરના માધ્યમથી આ માહિતી લોકોને આપી છે. કોવિડ-19 મહામારી અંગેની માર્ગદર્શિકા મુજબ તેમણે પોતાના સંપર્કમાં આવનારા દરેકને કોરોના ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે.
હૈદરાબાદની ભારત બાયોટેકની કોવેક્સિન રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અનિલ વીજે પોતે રસીની ટ્રાયલ લેવા તૈયાર છે એમ કહીને આ રસી લીધી હતી. હવે લોકોને આ રસીની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઇ રહી છે કે ખુદ રાજયના પ્રધાને રસી લીધી તો પછી તેમને કોરોના કેમ થયો. રસી લેવાની માર્ગદર્શિકા મુજબ પ્રથમ ટ્રાયલે વ્યક્તિને ફક્ત 0.5 મિલિગ્રામ રસી આપવામાં આવે છે. પ્રથમ ડોઝ પછી 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવે છે. બે ડોઝ ન અપાય ત્યાં સુધી કોરોના સામે રક્ષણ મળતું નથી. અનિલ વીજને અત્યાર સુધીમાં ફક્ત એક જ ડોઝ અપાયો છે એટલે રસી નિષ્ફળ ગઇ છે તેમ કહેવું યોગ્ય નથી, એમ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે.